હરિદ્વારઃ પાકિસ્તાનના કબજાગ્રસ્ત બલુચિસ્તાનનાં વડાંપ્રધાન નાએલા કાદરીએ પાકિસ્તાનથી આઝાદ થવા માટે ભારતની મદદ માગી છે. બલુચિસ્તાનના વડાંપ્રધાને માગણી કરી છે કે ભારત અમને પાકિસ્તાનથી આઝાદી અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં મદદ કરે. બલુચિસ્તાનના વડાંપ્રધાન નાએલા કાદરી 28 જુલાઇએ ભારતની મુલાકાતે આવ્યા હતા, અને તેઓએ ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગાઘાટ પર પૂજા કરી હતી.
ગંગાઘાટ પર પૂજા પૂર્ણ કર્યા બાદ પત્રકારોની સાથે વાતચીતમાં કાદરીએ કહ્યું હતું કે બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થવા માગે છે, અમારે સ્વતંત્રતા જોઇએ છે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પાસે આ તક છે કે તેઓ અમને આઝાદી અપાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ કરે. યુએનમાં અમને ભારતના સાથ સહકારની જરૂર છે.
આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે એક સમયે સ્વતંત્ર દેશ હતો, જોકે હાલ તે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. પાકિસ્તાન બલુચિસ્તાનના સંસાધનો, ખનીજ પદાર્થની ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યું છે. એટલુ જ નહીં બલુચિસ્તાનના નાગરિકોનું પણ શોષણ કરી રહ્યું છે. આ અત્યાચાર દરરોજ વધી રહ્યો છે. પાકિસ્તાન એકલા આ લૂંટ નથી ચલાવી રહ્યું, તેને ચીનનું પણ સમર્થન મળી રહ્યું છે. બલોચ યુવતીઓ પર રેપ કરવામાં આવી રહ્યો છે. તેમના અપહરણ થઈ રહ્યા છે. મકાનોને આગ લગાડવામાં આવી રહી છે.
કાદરીએ કહ્યું હતું કે જો ભારત યુએનમાં બલુચિસ્તાનની આઝાદી માટે અમારો સાથ આપશે તો અમે પણ આઝાદી બાદ ભારતને સાથ આપતા રહીશું. બલુચિસ્તાનના વડાંપ્રધાન હાલ વિશ્વના પ્રવાસે છે અને બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ચળવળ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે હાલ બલુચિસ્તાનના વડાંપ્રધાન કાદરી પાકિસ્તાનના ડરને કારણે દેશ છોડી ચુક્યા છે.