પાક.ના પગ તળે રેલો આવ્યો

આર્થિક પ્રતિબંધના ભયે દાઉદ કરાચીમાં હોવાનું કબૂલ્યું

Tuesday 25th August 2020 14:45 EDT
 
 

કરાચી: ભારતનો મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન અને ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ કરાચીમાં વસતો હોવાનો આખરે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. ફાઇનાન્સિયલ એક્શન ટેકન ફોર્સ (એફએટીએફ) દ્વારા બ્લેક લિસ્ટ થતા બચવા માટે હવાતિયા મારી રહેલા પાકિસ્તાને શનિવારે હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને દાઉદ ઇબ્રાહીમ સહિતના ૮૮ આતંકીઓ અને આતંકવાદી સંગઠનો સામે આકરા આર્થિક પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં તેમની તમામ સંપત્તિ જપ્ત કરવા, બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવા, વિદેશ પ્રવાસ રોકવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે.
પેરિસ-સ્થિત એફએટીએફ આંતરરાષ્ટ્રીય આતંકવાદી આર્થિક વ્યવહારો પર નજર રાખે છે અને પાકિસ્તાન છેલ્લા લાંબા સમયથી તેના ગ્રે લિસ્ટમાં છે. આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવામાં નિષ્ફળતા બદલ એફએટીએફ પાકિસ્તાનને ચેતવણી પણ આપી ચૂક્યું છે. આ સંજોગોમાં હવે જો તેનું નામ બ્લેક લિસ્ટમાં સામેલ થાય તો પાકિસ્તાનને વૈશ્વિક નાણાં સંસ્થાનો પાસેથી સહાય મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. નાદારીના આરે આવીને ઉભેલા પાકિસ્તાનને આ પરવડે તેમ ન હોવાથી નાછૂટકે તેને આતંકીઓ અને આતંકી સંગઠનો સામે પ્રતિબંધો લાદવા પડ્યા છે.

પાકે. પહેલી વાર નામ લીધું!

પાકિસ્તાન દ્વારા થયેલી કાર્યવાહીમાં પહેલી વખત ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહીમનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ કાર્યવાહી એ હકીકતની સત્તાવાર કબૂલાત છે કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાની દસ્તાવેજોમાં દાઉદના ઘરના ત્રણ સરનામા અને ૧૪ પાસપોર્ટનો પણ ઉલ્લેખ છે. દાઉદ પર ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર ઘડવાનો આરોપ છે. અત્યાર સુધી દાઉદ પોતાના દેશમાં હોવાનો સતત ઇન્કાર કરી રહેલા પાકિસ્તાને પહેલી વખત કબૂલ્યું છે કે આ માફિયા ડોન તેના દેશમાં વસે છે. એટલું જ નહીં, દાઉદ ઇબ્રાહીમના નામને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું છે.
અલબત્ત, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા દાઉદને પહેલાંથી જ આતંકવાદી જાહેર કરાયો છે. પાકિસ્તાને આકરા આર્થિક પ્રતિબંધોથી બચવા માટે આવું કર્યું હોવાનું મનાય છે.
પાકિસ્તાની અખબાર ‘ધ ન્યૂઝ’ના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાન સરકારે ૧૮ ઓગસ્ટે બે નોટિફિકેશન બહાર પાડ્યા છે. જે અંતર્ગત જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, આઈએસઆઈએસ, હક્કાની ગ્રૂપ, અલ-કાયદા તેમજ અન્ય સંગઠનો અને વ્યક્તિઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.
પાકિસ્તાને નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કરાચીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું ઘર છે અને તેણે દાઉદ સહિત કેટલાક લોકો પર આર્થિક પ્રતિબંધો મૂક્યા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે (યુએનએસસી) જે વ્યક્તિઓ અને સંગઠનો પર આર્થિક, પ્રવાસન સંબંધિત વગેરે પ્રતિબંધ લગાવ્યા છે તે વ્યક્તિઓ અને સંગઠનોની સંપત્તિઓ તથા બેન્ક એકાઉન્ટ કોઈ પણ નોટિસ વગર પાકિસ્તાન જપ્ત કરી રહ્યું છે.

દાઉદના સરનામા જાહેર કર્યા

પાકિસ્તાનના દસ્તાવેજમાં દાઉદના ત્રણ સરનામાનો ઉલ્લેખ છે. તેમાં ૧) વ્હાઇટ હાઉસ, સાઉદી મસ્જિદ - કરાચી, ૨) હાઉસ નંબર ૩૭, ૩૦મી સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી અને ૩) પલટિયાલ બંગલો, નૂરબાદ હિલ એરિયા, કરાચીનો સમાવેશ થાય છે. પાકિસ્તાને જારી કરેલા દસ્તાવેજોમાં દાઉદના ૧૪ જુદા જુદા પાસપોર્ટનો નંબર સાથેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આમાં દાઉદના બીજા કેટલાંય નામો પણ નોંધવામાં આવ્યાં છે. તેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હોવાનો અને તેનો ભારતીય પાસપોર્ટ રદ કરી દેવાયો હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે.

અન્ય ક્યા ત્રાસવાદી યાદીમાં છે?

પાકિસ્તાને જે આંતકવાદી સંગઠનો અને તેમના વડાઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે તેમાં મોટા ભાગના વિશ્વતખ્તે કુખ્યાત આતંકી ચહેરા છે. મુલ્લા ફઝલ્લુલા (મુલ્લા રેડિયો), ઝકીઉર રહેમાન લખવી, મસૂદ અઝહર, હાફિઝ સઇદ, તાલિબાનનો વડો જલાલુદ્દીન હક્કાની, ઉઝબેક લિબરેશન મૂવમેન્ટનો ફઝલ રહીમ શાહ, અબ્દુલ મુરાદ, નુર વલી મોહમ્મદ વગેરેનો સમાવેશ થાય છે.

બે નોટિફિકેશન્સ જાહેર

પાકિસ્તાનની સરકારે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) દ્વારા તાજેતરમાં જારી થયેલી યાદી મુજબ ૮૮ જેટલા આતંકીઓ અને આતંકી સંગઠનો સામે પગલાં લેવાની જાહેરાત કરી છે. સરકારે ૧૮ ઓગસ્ટે જાહેરનામું બહાર પાડીને જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, દાએશ, હક્કાની જૂથ અને અલ-કાયદા સહિતના ત્રાસવાદી જૂથોના આગળ પડતા ત્રાસવાદીઓ પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. આ જાહેરનામા દ્વારા સરકારે આ સંગઠનો અને તેના ત્રાસવાદીઓની તમામ સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવા અને બેન્ક ખાતા પર ટાંચ મૂકવાના આદેશ કર્યા છે. તેમના પર નાણાકીય સંસ્થાઓ દ્વારા નાણાંની ટ્રાન્સફર, શસ્ત્રો ખરીદવા સામે તેમ જ વિદેશ પ્રવાસ ખેડવા સામે પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે યાદીમાંથી બહાર નીકળવા પાકિસ્તાને આ પગલાં લીધા છે. જે અંતર્ગત સરકારે આ આતંકી વડાઓ અને તેમના સંગઠનોની તમામ મિલકતો જપ્ત કરવા તથા બેન્ક એકાઉન્ટને ટાંચમાં લેવાના આદેશ કર્યા છે.

ઓક્ટોબરમાં એફએટીએફની મીટિંગ

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની હવે પછીની બેઠક આગામી ઓક્ટોબરમાં યોજાવાની છે. આતંકીઓ સામે લડવાના ખરડાયેલા રેકોર્ડને કારણે પાકિસ્તાનના ૨૦૧૮થી આ ગ્રે લિસ્ટમાં છે. એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવાથી દુનિયાભરમાંથી આર્થિક મદદ મેળવવામાં મુશ્કેલી થાય છે. કથળેલા અર્થતંત્રના કારણે લાંબા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના શાસકોને આશા છે કે આ નામ જાહેર કરવાથી તેનું નામ ગ્રે લિસ્ટમાંથી નીકળી જશે.

એફએટીએફની પાક.ને ચેતવણી

પેરિસસ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં ગ્રે લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું હતું. સાથે સાથે જ પાકિસ્તાનને જણાવ્યું હતું કે તેણે ૨૦૧૯ સુધીમાં આ સંગઠનો અને વ્યક્તિઓ સામે કાર્યવાહી કરે. જોકે આ પછી કોવિડ-૧૯ મહામારીને પગલે મુદત વધારીને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીની કરવામાં આવી હતી. હવે એફએટીએફની આગામી સમીક્ષા બેઠક ઓક્ટોબરમાં મળવાની છે. આ બેઠકમાં પાકિસ્તાન એફએટીએફ ગ્રે યાદીમાં યથાવત્ રહેશે કે પછી તેને બ્લેક લિસ્ટમાં મૂકવું તે નક્કી થાય તેવી શક્યતા છે. જો બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તો પછી પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સહિતના સંગઠનો પાસેથી ધિરાણ નહીં મળી શકે.

પાક.ની આર્થિક હાલત અત્યંત ખરાબ

પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત ખરાબ છે, અને હવે તેના મદદગારો પણ હાથ પાછા ખેંચી રહ્યા છે. એક સમયના મિત્ર અને મદદગાર સાઉદી અરબે તેને લોન તથા ઓઇલ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પરિણામે પાકિસ્તાને આ વર્ષના અંત સુધીમાં સાઉદી અરબને ૬.૨ બિલિયન ડોલરની લોન પરત કરવાની રહેશે. તો બીજી તરફ, એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવાને કારણે પાકિસ્તાનને વૈશ્વિક નાણાં સંગઠનો પાસેથી સહાય મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.

દાઉદ આંતરરાષ્ટ્રીય આતંકીઃ અમેરિકા

યુએસ સરકારે માફિયા દાઉદ ઇબ્રાહીમનું નામ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓના સમર્થકોની યાદીમાં મૂક્યું છે. વર્ષ ૨૦૦૩માં તૈયાર કરાયેલી યાદી અનુસાર ‘એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર દાઉદ ઇબ્રાહીમ ગત બે દાયકામાં ભારતીય અંડરવર્લ્ડના સૌથી મોટા ગુનેગારોમાંથી એક છે. તે નશીલી દવાઓની દાણચોરીમાં સામેલ છે. તેણે ભારતવિરોધી ઇસ્લામી ઉગ્રપંથી સંગઠન લશ્કરે તૈયબાને પણ આર્થિક મદદ પૂરી પાડી છે. અમેરિકાના નાણા મંત્રાલયના મતે, દાઉદ ઇબ્રાહીમ અને અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેન વચ્ચે પણ આર્થિક વ્યવહારો થયા હતા અને મુંબઈના માફિયા ડોને ૧૯૯૦ના દાયકામાં તાલિબાનની દેખરેખ હેઠળ અફઘાનિસ્તાનની મુલાકાત પણ લીધી હતી.

મુંબઇ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટઃ એક લોહિયાળ દુઃસ્વપ્ન

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. ભારતીય સુપ્રીમ કોર્ટે દાઉદ ઇબ્રાહીમ અને તેમના ભાઈ અનીસ ઇબ્રાહીમને ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ષડ્યંત્રકારી ઠેરવ્યા છે. ભારતનું આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં ૧૯૯૩માં એક પછી એક થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦થી વધુ ઘાયલ થયા હતી. ૧૯૯૨માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ મુંબઈમાં મોટા પાયે હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોનાં મૃત્યુ થયાં હતાં. આનો બદલો લેવા માટે મુંબઇમાં વિસ્ફોટો કરાયા હતા.
જોકે આ વિસ્ફોટ પહેલાં જ દાઉદ ઇબ્રાહીમ અને તેના નજીકના સાથીદારોએ ભારત છોડી દીધું હતું. ભારત સરકાર અનેક વખત કહી ચૂકી છે કે દાઉદ સહિતના આરોપીઓએ પાકિસ્તાનમાં આશરો લીધો છે. જોકે, પાકિસ્તાને અત્યાર સુધી આનો ઇન્કાર કર્યો હતો. ભારતે આ મામલે નક્કર પુરાવાઓ સાથેનું ડોઝિયર સુપરત કર્યું હોવા છતાં પાકિસ્તાન સતત આ વાતનો ઇન્કાર કરતો રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter