ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ દેશોના વડાઓને આમાં મદદરૂપ થવાનો અનુરોધ કરતા પોસ્ટર્સ સાથે દેખાવો યોજ્યા હતા. પાકિસ્તાનના સુરક્ષા દળોએ બળપ્રયોગ કરીને આ વિરોધ પ્રદર્શનને ડામી દીધા હતા અને ઠેર ઠેર દરોડા પાડીને પોસ્ટર્સ જપ્ત કર્યાં હતાં. જોકે આમ છતાં લોકોમાં ભારે આક્રોશ સાથે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે.
સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંના એક જી. એમ. સૈયદની ૧૧૭મી જન્મજયંતીએ જામશોરો પ્રાંતમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિતના નેતાઓના પોસ્ટર્સ ફરકાવીને આઝાદી માટે નારા લગાવ્યા હતાં. રેલીમાં જોડાયેલા લોકોએ આ નેતાઓને સિંધ પ્રાંતને પાકિસ્તાનની ચુંગાલમાંથી આઝાદી અપાવવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સૈયદને સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક માનવામાં આવે છે. ૧૯૬૦ના દાયકામાં સ્વતંત્ર સિંધ દેશના આંદોલનની શરૂઆત થઈ હતી.
સિંધ રાજ્ય વૈદિક ધર્મનું ઘર
આંદોલનકર્તાઓનો દાવો છે કે, સિંધ રાજ્ય સિંઘુ ઘાટીની સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે. બ્રિટિશ સામ્રાજ્યે તેને જોરજુલમથી પચાવી પાડ્યું હતું અને ૧૯૪૭માં તેને પાકિસ્તાનના ઇસ્લામી હાથોમાં સોંપી દીધું હતું. આ રેલીમાં નરેન્દ્ર મોદી, જો બાઇડેન (અમેરિકા), એન્ટોનિઓ ગુટેરેસ (યુએન સેક્રેટરી જનરલ), જેસિંડા આર્ડેન (ન્યૂઝિલેન્ડ), મોહમ્મદ બિન સલમાન (ક્રાઉન પ્રિન્સ - સાઉદી અરબ), અશરફ ગની (અફઘાનિસ્તાન) અને એન્જેલા મર્કેલ (જર્મની)ના પોસ્ટર્સ દર્શાવાયા હતા.
અન્ય પ્રાંતમાં પણ અસંતોષ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં દરેક નાગરિકને એકસમાન હક્ક - અધિકારો મળતા ન હોવાથી માત્ર સિંધ પ્રાંતમાં જ નહીં, દેશના અન્ય ભાગો જેવા કે બલુચિસ્તાન, પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર, ખૈબર પુખ્તુન્વાહ વગેરે પ્રાંતોમાં પણ આઝાદીની માગ સાથે આંદોલન થતાં જ રહે છે.
૧૯૬૭થી અલગ સિંધુ દેશની માગ
અલગ સિંધુ દેશની ચળવળના બીજ ૧૯૪૭માં જ રોપાઇ ગયા હતા. આઝાદી બાદ સિંધુ પ્રાંતને પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યો અને પાકિસ્તાનના ચાર પ્રાંતમાંથી એક થઇ ગયો. આ પછી પાકિસ્તાન સરકારે અહીંના રહેવાસીઓ પર બળજબરીથી ઊર્દૂ ભાષા ઠોકી બેસાડતા ૧૯૬૭માં સિંધુ દેશની માગ શરૂ થઇ હતી.