પાકિસ્તાના નાટ્યાત્મક ઉથલપાથલ પછી વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકારે દેશની શાસનધૂરા સંભાળી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલોનો પાકિસ્તાન સાથે એક યા બીજી રીતે સંકળાયેલા દેશોના સંદર્ભમાં અર્થ શો રહેશે?
• ભારતના સંદર્ભમાંઃ ભારત સાથેના સંબંધોના કિસ્સામાં પણ સંવેદનશીલ મુદ્દાઓ તેમ સરહદે પ્રવર્તતી તંગદિલી જેવા ગંભીર મુદ્દાની નીતિનું નિયંત્રણ પણ પાકિસ્તાનની સેના જ કરે છે. જોકે વર્ષ 2021થી શસ્ત્રવિરામ અમલી બન્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ખૂબ જ ઘટી ચૂકી છે. અલબત્ત, ઇમરાન ખાન દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની થતી રહેલી ભારે આલોચના સહિતના કારણોસર વર્ષોથી બંને શત્રુ દેશો વચ્ચે વિધિવત રાજદ્વારી મંત્રણા થઇ જ નથી. શરીફ પરિવાર ભલે સત્તામાં આવ્યો હોય, પરંતુ આ મુદ્દે કોઈ મોટો ફરક પડવાની શક્યતા જણાતી નથી.
• અફઘાનિસ્તાનના સંદર્ભમાંઃ પાકિસ્તાન સૈન્યની ગુપ્તચર પાંખ અને અફઘાન તાલિબાનો વચ્ચે તાજેતરના સમયગાળામમાં સંબંધો કથળતા રહ્યા છે. હાલના સંજોગોની વાત કરીએ તો, તાલિબાન શાસકોએ અફઘાનિસ્તાનનું સુકાન સંભળ્યા પછી તે વિશ્વના બાકીના દેશોથી વિખૂટું પડી જઈને આર્થિક અને માનવીય સંકટોનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં પણ કતાર તાલિબાનોના મહત્ત્વના વિદેશી ભાગીદાર દેશના રૂપમાં ઊભરી રહ્યું છે.
• ચીનના સંદર્ભમાંઃ ઇમરાન ખાન પાકિસ્તાનમાં ચીનની હકારાત્મક ભૂમિકાની હંમેશાં તરફદારી કરતા રહ્યા હતા. 60 બિલિયન ડોલરના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરે બંને દેશોને નજીક લાવી દીધા હતા. વાસ્તવમાં પાકિસ્તાનના બે શક્તિશાળી રાજકીય પક્ષો દ્વારા આ દિશામાં સમાનપણે પહેલ થઈ હતી. નવાઝ શરીફના ભાઈએ હવે વડા પ્રધાન પદ સંભાળ્યું છે. અને તેઓ પંજાબ પ્રાંતના નેતાના રૂપમાં પણ ચીન સાથે સીધી સમજૂતીઓ કરી ચૂક્યા છે. આમ ચીન સાથેના પાકિસ્તાનના સંબંધોમાં કોઇ ફરક પડવાની શક્યતા જણાતી નથી. આથી ઉલ્ટું, ચીને તો પાક.ના વડા પ્રધાન શાહબાઝ શરીફની પસંદગીને આવકારી છે.