કરાચીઃ કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જ (PSX) પર સોમવારે સવારે શેરબજારનું કામકાજ શરૂ થતાંની સાથે જ ઘાતકી આતંકી હુમલો કરાયો હતો. આતંકી હુમલામાં ૪ આતંકી સહિત ૧૧નાં મોત થયાં હતાં. મૃતકોમાં ૪ આતંકી, એક પોલીસ ઈન્સ્પેકટર અને ૪ સિક્યુરિટી ગાર્ડસ અને બે નાગરિકનો સમાવેશ થાય છે.
હુમલામાં ૭ લોકો ઘવાયાં હતાં જેમાં ૪ની હાલત ગંભીર ગણાવાઈ હતી. એક આતંકીની ઓળખ સલમાન તરીકે થઈ હતી જે બલુચિસ્તાન પ્રાંતનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાન પ્રેસિડેન્ટ આરિફ અલ્વી અને વડા પ્રધાન ઈમરાન ખાને હુમલાને વખોડી કાઢયો હતો હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી. બલુચ લિબરેશન આર્મીના ૪ આતંકીઓએ શેરબજારના ગેટ નજીક ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. તેઓ પાર્કિંગ એરિયામાંથી ફાયરિંગ કરતા કરતા ટ્રેડિંગ હોલમાં ઘૂસીને લોકોને બંધક બનાવવા માગતા હતા, પણ સુરક્ષાકર્મીઓએ આ પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો હતો. ૩ આતંકીને એન્ટ્રન્સ પર જ ઠાર કરાયા હતા. એક આતંકી બિલ્ડિંગમાં ઘૂસવામાં સફળ રહ્યો હતો જેને કરાચી પોલીસ અને પાક. રેન્જર્સના જવાનોએ ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આતંકી સુસાઈડ બોમ્બર્સ હતા.