ક્વેટાઃ પાકિસ્તાનમાં ચીનની વધી રહેલા હસ્તક્ષેપ સામે બળવાખોરોમાં રોષ છે. ૨૧ એપ્રિલે ક્વેટામાં બળવાખોરોએ ચીનના રાજદૂતને નિશાન બનાવીને એક લક્ઝરી હોટલને વિસ્ફોટ કરી ઉડાવી દીધી. બળવાખોરોને માહિતી મળી હતી કે ચીની રાજદૂત ક્વેટાની સેરેના હોટલમાં રોકાયા છે. જોકે હુમલા વખતે રાજદૂત હોટલમાં ના હોવાથી તેમનો બચાવ થયો હતો, પરંતુ શક્તિશાળી વિસ્ફોટે પાંચ વ્યક્તિનો ભોગ લીધો હતો અને ૧૨થી વધુ લોકો ઘવાયા હતા.
ક્વેટા પોલીસના પોલીસ વડાએ કહ્યું હતું કે વિસ્ફોટકોને એક કારમાં મુકવામાં આવ્યા હતા. મૃતકોમાં હોટલ બહાર તૈનાત એક પોલીસકર્મીનો પણ સમાવેશ થતો હતો. હુમલા પછી પોલીસે હોટલને ઘેરીને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી. વિસ્ફોટ માટે ૮૦થી ૯૦ કીલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થયો હતો. તેમાં બોલબેરિંગ અને સી-૪ વિસ્ફોટકોનો પણ ઉપયોગ થયો હતો.
બલુચિસ્તાનના ગૃહ પ્રધાન મીર જિયાઉલ્લાહ લૈંગોવે જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદનું પ્રમાણ વધી રહ્યું છે. વિસ્તારના લોકો જ આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ થઇ રહી છે. કાર પાર્કિંગમાં પહોંચ્યાની ગણતરીની મિનિટમાં જ વિસ્ફોટ થયો હતો.
બીજી તરફ, તાલિબાને એક નિવેદન બહાર પાડીને આ હુમલાની જવાબદારીનો સ્વીકાર કર્યો છે. તહરિક-એ-પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ આત્મઘાતી હુમલો હતો. અફઘાન તાલિબાનોનું આ બળવાખોર જૂથ છે. સત્તાવાળાને આ હુમલો બલુચતિસ્તાન લિબરેશન આર્મીએ કર્યો હોવાની પણ આશંકા છે. ગયા વર્ષે કરાચી શેરબજાર થયેલા હુમલામાં પણ આ સંગઠનનો જ હાથ હતો.