લાહોર: ભારતીય ઉપખંડ જાહોજલાલીભર્યા અને શાહી ઠાઠમાઠ સાથેના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન કરવા ગયેલા એક દુલ્હાએ તો રૂ. ૧૭ લાખના સોનાના જૂતાં પહેર્યા હતા અને સોનાના તારનો સ્યુટ બનાવ્યો હતો. ટાઇની કિંમત હતી રૂ. પાંચ લાખ.
લાહોરના વેપારી સલમાન શાહીદે દુલ્હન અને તેના પરિવારને પ્રભાવિત કરવામાં જરાય કસર છોડી નહતી. એના સ્યુટમાં મેચીંગ ક્રિસ્ટલ અને જ્વેલ્સ જડવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર દુલ્હાનો સ્યુટ રૂપિયા ૬૩૦૦૦ હજારનો હતો જ્યારે એણે જે જૂતાં પહેર્યા હતા તે સાત લાખ રૂપિયાના હતા. તેમાં ૩૨૦ ગ્રામ સોના ઉપરાંત હીરા અને માણેક જડયા હતા. દુલ્હાના આઉટફિટની કુલ કિંમત રૂપિયા ૨૫ લાખ થઇ હોવાનું કહેવાતું હતું.
રિસેપ્શનમાં આટલો દેખાડો શા માટે કરો છો? એવું પૂછાતા સલમાને કહ્યું હતું કે હું તો પહેલાંથી જ સોનાના જૂતાં પહેરું છું. લોકો ગળામાં સોનાની ચેન પહેરે છે પણ હું તેના જૂતાં બનાઉં છું. હું લોકોને કહેવા માગું છું કે જૂઓ ધન-દોલત તો મારા પગમાં છે અને એની જગ્યા એ જ છે.
આ અનોખો આઉટફિટ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં ઇન્સ્ટાગ્રામમાં એક યુઝરે પ્રતિભાવ આપતા લખ્યું હતું ‘એક જૂતું વેચીને કોઇ સર્જરી કરાવી શકે છે’ તો બીજાએ લખ્યું હતું ‘મારે એ જોવું છે કે જો વરરાજા આવા નખરા કરતો હોય તો વધુએ શું પહેર્યું હશે?’