લાહોર: પાકિસ્તાનના પ્રથમ હિંદુ મહિલા સનદી અધિકારી બનેલાં એક ડોક્ટરે હવે પંજાબ પ્રાંતના હસન અબ્દલ શહેરના મદદનીશ કમિશનર અને વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ડો. સના રામચંદ ગુલવાની નામની 27 વર્ષની આ પ્રતિભાશાળી યુવતી 2020માં દેશની સેન્ટ્રલ સુપિરિઅર સર્વિસીસ (સીએસએસ) પરીક્ષા પાસ કર્યા પછી પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (પીએએસ)માં જોડાઈ છે.
પ્રથમ પ્રયાસે પરીક્ષા પાસ કરનાર ડો. સના ભાગલા પછી પ્રથમ હિંદુ પાકિસ્તાની મહિલા ઉમેદવાર બન્યાં છે કે જેણે ઉપરોક્ત પરીક્ષા પાસ કરી છે. સિંધ પ્રાંતના શિખરપુર શહેરમાં ઉછરેલાં સના ગુલવાનીએ દેશના ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી એ અગાઉ તેઓ માતા-પિતાની ઈચ્છાને માન આપીને ડોક્ટર બન્યાં. એમણે પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કર્યા પછી પ્રતિભાવમાં કહ્યું કે પોતે, આ સ્થાને પહોંચનાર પ્રથમ પાકિસ્તાની હિંદુ મહિલા છે કે કેમ એ જાણતાં નથી, પરંતુ મારા સમાજની કોઈ મહિલાએ આ પરીક્ષા આપી હોય એવું પણ જણાયું નથી. સના ગુલવાનીએ પંજાબ પ્રાંતના અટ્ટોક જિલ્લાના હસન અબ્દલ શહેરના મદદનીશ કમિશનર કમ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો છે.