નવી દિલ્હીઃ પાકિસ્તાન સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભારતે પાક.ના ઇસ્લામાબાદમાં યોજાનારા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતાં હાલમાં સાર્ક સંમેલન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. સિંધુ જળ કરાર બાદ વધુ એક મોરચે પાકિસ્તાનના આ ભૂંડા હાલ થયાનું ગણાય છે. સાર્કમાં હાજર ન રહેવાના ભારતના નિર્ણયને અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશના સમર્થનથી પાક.ની સ્થિતિ તંગ બની છે. નેપાળ હવે ઇસ્લામાબાદના બદલે કાઠમંડુમાં જ સાર્ક યોજે તેવી અટકળો પણ થઈ છે. જોકે પાકિસ્તાનની જીદ છે કે ઇસ્લામાબાદમાં જ સંમેલન યોજવામાં આવે અને પાકિસ્તાન આ અંગે નેપાળ પર દબાણ કરી શકે તેવા અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે સાર્કનો એક પણ દેશ ગેરહાજર રહેવાનો હોય એટલે નિયમ મુજબ સાર્ક સંમેલન મોકૂફ કરવું જ પડે.
પાક.ને એકલો પાડી દેવા ભારતે આ સંમેલનમાં જવાનો ઇનકાર કરી દીધો હતો જે બાદ ભારતના સાથી દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભુતાને પણ સંમેલનમાં જવાની ના પાડતા નિયમ અનુસાર આ સંમેલન રદ રહ્યું છે. સાર્ક દેશોના આ વખતના સંમેલનની અધ્યક્ષતા નેપાળની હતી, પણ સંમેલનનું સ્થળ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ નક્કી કરાયું હતું.
કાશ્મીરમાં ઉરી હુમલાને પગલે ભારતે પાક.માં જવાનું પસંદ ન કરતા તેમજ અન્ય દેશોએ પણ ભારતને આ મામલે ટેકો આપતાં સંમેલન મોકૂફ રહ્યું હતું. ભારતીય ઉપખંડમાં જે રીતે તંગદિલીભરી સ્થિતિ છે ત્યારે ભારત, બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાન દ્વારા અગાઉથી જ સાર્ક બેઠકમાં હાજર રહેવા માટે અસમર્થતા દર્શાવવામાં આવી હતી. આ ચાર દેશોનાં નિર્ણયનાં ત્રણ દિવસ પછી શ્રીલંકાએ સાર્કમાં હાજર રહેવા અનિચ્છા દર્શાવી હતી.