નવી દિલ્હીઃ ત્રાસવાદને ભંડોળ અને મની લોન્ડરિંગ પર નજર રાખી રહેલી વૈશ્વિક સંસ્થા એફએટીએફએ સૂચવેલા ૨૭ પગલાંમાંથી છ પગલાં લેવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં તે એફ.એ.ટી.એફ.ની ગ્રે યાદીમાં ચાલુ રહે તેવી સંભાવના વધી જાય છે. તેવા અહેવાલ ૧૮મીએ હતા. મહત્ત્વના છ મુદ્દાનું પાલન નથી થયું તેમાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલા ત્રાસવાદીઓ મૌલાના મસુદ અઝહર અને હાફિઝ સઇદ સામે પગલાં લેવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પાકિસ્તાનની ત્રાસવાદીઓની સત્તાવાર યાદીમાં અચાનક ૪૦૦૦ ત્રાસવાદીઓનાં નામ ગાયબ થઇ જવા જેવા મુદ્દાનો પણ સમાવેશ થાય છે. સંગઠનના ચાર સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાનમાં કાર્યરત ત્રાસવાદી જૂથો સામે પગલાં લેવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતાથી સંતુષ્ઠ નથી તેવું સ્પષ્ટ થયું છે.