અમૃતસરઃ પંજાબમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ ૪૦ દેશોને સ્થાનિક અને સરહદ પારના આતંકવાદ મુદ્દે મજબૂત રીતે આગળ આવવાનો પણ અનુરોધ કરાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ડિસેમ્બરે સંમેલનને સંબોધતા પાકિસ્તાનનું નામ લીધા વિના જ આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમે ફક્ત આતંકવાદ સામે આકરા પગલાં નથી ઈચ્છતા, પરંતુ જે લોકો આતંકવાદનું સમર્થન કરે છે, તેમને આશરો આપે છે, તાલીમ આપે છે અને આર્થિક સહાય પણ કરે છે તેમની સામે પણ એકસંપ થઈને પગલાં લેવાનું કહીએ છીએ. આતંકવાદના કારણે અફઘાનિસ્તાન જેવા દેશની શાંતિ, સંતુલન અને સમૃદ્ધિ ખોરવાઈ ગઈ છે. આતંકવાદના કારણે લોહીની નદીઓ વહી રહી છે. લોકો ભયભીત છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાજે તેનો સામનો કરવા માટે મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવવાની છે. અફઘાનિસ્તાન મુદ્દે મૌન અને નિષ્ક્રિયતાને પગલે જ આજે આતંકવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
અફઘાનિસ્તાનનો સીધો હુમલો
અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાનીએ તેમના દેશ સામે અઘોષિત યુદ્ધ જાહેર કરવા બદલ પાકિસ્તાન પર સીધો શાબ્દિક હુમલો કર્યો હતો. પ્રમુખ ઘાનીએ કહ્યું હતું કે, વિશ્વના તમામ દેશોએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઓપરેશનોને અટકાવવા માટે પગલાં લેવા જોઈએ. પાકિસ્તાને અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ માટે અમને ૫૦ કરોડ ડોલર આપવાનું વચન આપ્યું છે, પરંતુ અમારું કહેવું છે કે આ રકમના ઉપયોગથી તેઓ આતંકવાદ સામે વધારે સારી રીતે લડી શકશે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ માટે અભયારણ્યની ગરજ સારતું રહેશે ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય.
એશિયાના વિકાસમાં વિઘ્ન
નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે, હાર્ટ ઓફ એશિયા બેઠકમાં અફઘાનિસ્તાનની શાંતિનો મુદ્દો પહેલી વાર ઉઠાવવામાં આવ્યો છે, જેમાં અલ કાયદા, દાએશ, લશ્કર-એ-તૈઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે લડવાની વાત પણ કરવામાં આવી છે. આપણા પ્રદેશમાં આતંકવાદ સતત વધી રહ્યો છે, જેને તાત્કાલિક અટકાવવાની બધા જ દેશો માગ કરે છે. આતંકવાદ હાર્ટ ઓફ એશિયાની શાંતિ, સમૃદ્ધિ, વિકાસ અને સંતુલન માટે સૌથી મોટો ખતરો છે.
અમૃતસર-અફઘાનિસ્તાનઃ સદીઓ જૂનો સંબંધ
અમૃતસરમાં આયોજિત બે દિવસીય હાર્ટ ઓફ એશિયા બેઠકને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતસર અને અફઘાનિસ્તાનના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધની પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની સમૃદ્ધિ અને ઉન્નતિમાં અમૃતસરની પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. શીખોના પહેલા ધર્મગુરુના શિષ્ય ગુરુ નાનક દેવ અફઘાન હતા. કાબૂલમાં ૧૫મી સદીમાં તેઓ લોકોને ઉપદેશ આપતા હતા. એટલું જ નહીં, મૂળ અફઘાનિસ્તાનના સૂફી સંત બાબા હઝરત શેખની મઝાર પંજાબમાં આવેલી છે. આ મઝાર પર તમામ લોકો માથું ટેકવે છે. અફઘાનિસ્તાનથી પણ લોકો આ મઝારની મુલાકાતે આવે છે.
ફક્ત પાકિસ્તાનને દોષ ન આપોઃ અઝીઝ
હાર્ટ ઓફ એશિયામાં ૪૦ દેશોએ ભાગ લીધો છે. આ તમામ દેશોએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતી વખતે સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. આ વેળા પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા પાકિસ્તાન સરકારના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ રીતસર ભોંઠા પડી ગયા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનના નેતાઓ પણ ખાસ કરીને ભારત અને અફઘાનિસ્તાનનું વલણ જોઈને રઘવાયા થઈ ગયા હતા. આ બેઠકમાં સરતાજ અઝીઝે કહ્યું હતું કે, આતંકવાદ મુદ્દે ફક્ત પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી ના શકાય. આમ કરીને કોઈ પણ દેશ આતંકવાદ જેવા જટિલ મુદ્દાને એકદમ સરળ ના બનાવી શકે. અફઘાનિસ્તાનમાં સુરક્ષાનો મુદ્દો અત્યંત જટિલ છે. આપણે આ મુદ્દાના તમામ પાસાંનો સ્વતંત્ર વિચાર કરવાની જરૂર છે.
અઝીઝને સુરક્ષાના કારણસર સુવર્ણ મંદિરમાં પ્રવેશ નહીં
હાર્ટ ઓફ એશિયામાં ભાગ લેનારા ૪૦ દેશના અનેક પ્રતિનિધિઓએ અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાનીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. જોકે પાકિસ્તાનનું નેતૃત્વ કરતા સરતાજ અઝીઝને સુવર્ણ મંદિરની મુલાકાત લેવા દેવાઈ ન હતી. ભારત સરકારે જણાવ્યું હતું કે અઝીઝને સુરક્ષાના કારણસર સુવર્ણ મંદિર સુધી જવા દેવાયા ન હતા. અઝીઝ ત્રીજી ડિસેમ્બરે સાંજે અમૃતસર આવી ગયા હતા. અહીં તેમને રેડિસન બ્લૂ હોટેલમાં સ્ટે અપાયો હતો. પાકિસ્તાન દૂતાવાસના સૂત્રોએ દાવો કર્યો હતો કે, સરતાજ અઝીઝ સુવર્ણ મંદિરની મુલાકાત લેવા માગતા હતા, પરંતુ સુરક્ષાના કારણસર તેમને ત્યાં જવાની મંજૂરી અપાઈ ન હતી. ભારત સરકાર નહોતી ઈચ્છતી કે હાર્ટ ઓફ એશિયા સંમેલન વખતે કોઈ કમનસીબ ઘટના થાય.
આ દરમિયાન ભારતસ્થિત પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિત અને ભારતીય સુરક્ષા જવાનો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. બાસિતે સરતાજ અઝીઝ માટે હોટેલના હોલમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની મંજૂરી માગી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને મંજૂરી અપાઈ ન હતી. આ કારણસર બાસિતે બીજી હોટેલમાં અઝીઝ અને મીડિયાકર્મીઓના વાર્તાલાપનું આયોજન કર્યું હતું, પરંતુ એ માટે પણ મંજૂરી અપાઈ ન હતી. એ પછી બાસિતે જ મીડિયાકર્મીઓ સાથે વાત કરી હતી.
મોદી અને અઝીઝનું હસ્તધૂનન
વડા પ્રધાન મોદી અને પાકિસ્તાનના સલાહકાર અઝીઝે અમૃતસરમાં હાથ મિલાવ્યા એ બાબતની પાકિસ્તાની મીડિયાએ ખાસ નોંધ લીધી છે. બન્ને દેશના સંબંધમાં કડવાશ આવ્યા પછી પાકિસ્તાની મીડિયા બન્ને દેશના નેતાઓની બોડી લેન્ગ્વેજની ખાસ નોંધ લઈ રહ્યું છે. વડા પ્રધાન મોદીએ વિદેશી પ્રતિનિધિ મંડળો માટે ત્રીજી ડિસેમ્બરે ડીનરનું આયોજન કર્યું હતું. આ સમયે તેમણે અઝીઝ સાથે હસીને વાતચીત કરી એની પાકિસ્તાની મીડિયાએ નોંધ લીધી હતી. એટલું જ નહીં, પાકિસ્તાનના અંગ્રેજી અખબારોએ પહેલા પાને અઝીઝ અને મોદી હસીને હાથ મિલાવતા હોય એવી તસવીર અને અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતા.