વોશિંગ્ટન: અમેરિકી ઈન્ટેલિજન્સ વિભાગે અમેરિકી સંસદ સમક્ષ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં વર્ષ દરમિયાન જગતમાં ક્યાં ક્યાં અશાંતિ સર્જાવાની શક્યતા છે, તેનું આકલન કરાયું હતું. આ રિપોર્ટ દર વર્ષે રજૂ થાય છે અને તેના આધારે અમેરિકા પોતાની વિદેશનીતિમાં નાના-મોટાં ફેરફાર કરતું હોય છે.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મોદી સરકાર પાકિસ્તાનની સળીનો આક્રમકતાથી જવાબ આપે એવી વધારે શક્યતા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય એવી શક્યતા નહિવત્ છે. પણ જો પાકિસ્તાન સરહદે સળી કરે છે એ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો વર્તમાન ભારત સરકાર લશ્કરી કાર્યવાહી કરી પાકિસ્તાનને આકરો જવાબ આપશે. અગાઉની સરકાર જે લશ્કરી પગલાં લેવામાં અચકાતી હતી એ પગલાં મોદી સરકાર ભરશે. રિપોર્ટમાં ભારત-ચીનની શાંતિવાર્તાનો પણ ઉલ્લેખ છે.
ભારત-ચીન વચ્ચે અત્યારે શાંતિ જળવાયેલી છે અને પેંગોગના કાંઠેથી બન્ને દેશોએ પોતાનું સૈન્ય પાછુ ખેંચ્યુ છે. પણ બીજા ઘણા એવા સ્થળો છે, જ્યાં સૈન્ય સામસામે છે. સામસામે ન હોય તો પણ એવાય સ્થળો છે, જેના પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. માટે ભારત-ચીન વચ્ચે અત્યારે શાંતિ દેખાતી હોવા છતાં ટેન્શનનો માહોલ તો છે જ. ચીન વિશ્વાસપાત્ર રાષ્ટ્ર નથી એ જગજાહેર વાત આ રિપોર્ટમાં પણ ભારપૂર્વક રજૂ કરાઈ છે.
રિપોર્ટમાં સ્પષ્ટ કરાયુ છે કે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ રાષ્ટ્રો છે. માટે ત્યાં કોઈ પ્રકારે તણખા ઝરે તો તેની અસર આખા વિશ્વને થઈ શકે. કેમ કે પરમાણુ રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ વિશ્વ માટે નવો પડકાર બને. અફઘાનિસ્તાન, સિરિયા, ઈરાક વગેરેમાં અશાંતિ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. ચીનના રશિયા સાથે વધતા સબંધો પણ અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યા છે.
જિનપિંગ ૨૦૧૩માં સત્તા પર આવ્યા ત્યારથી ચીનનું પ્રભુત્વ વધે એ માટે આડા-અવળા રસ્તા અપનાવી રહ્યા છે. પડોશી દેશોની જમીન અને સમુદ્રી વિસ્તાર પચાવી પાડવો એ ચીનની કાયમી પ્રવૃત્તિ બની છે. એટલે ચીનનો ભારત સાથેનો સંઘર્ષ આગામી દિવસોમાં ફરીથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી પુરી શક્યતા છે. કેમ કે ચીન સાથે ભારતને લાંબી સરહદ છે અને બાથ ભીડવા પણ ભારત તૈયાર છે.