ઇસ્લામાબાદઃ લાહોરની જેલમાં કેદ રહેલા અને ફાંસીની સજા પામેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને નવો પેંતરો અજમાવ્યો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો કે અમે ભારતને બીજો કોન્સ્યુલર એક્સેસ (રાજદ્વારી સંપર્ક)ની ઓફર કરી છે. પાકિસ્તાને જાધવને પિતાને મળવાની મંજૂરી આપી હોવાનું પણ જણાવ્યું છે. જવાબમાં ભારતના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન છેલ્લા ૪ વર્ષથી જાધવ કેસમાં દેખાડાનું નાટક કરી રહ્યો છે.
પાક.ના એડિશનલ એટર્ની જનરલ અહમદ ઈરફાને વિદેશમંત્રાલયના અધિકારી જાહિદ હાફિઝ ચોધરી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે ૧૭ જૂનના દિવસે જાધવને પુનઃવિચાર અરજી દાખલ કરવા માટે બોલાવાયો હતો પરંતુ તેણે આવવાન ના પાડી હતી. જોકે તેણે પોતાની દયા અરજી આગળ વધારવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે જાધવે સમીક્ષા અરજી દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને દયા અરજી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાકિસ્તાન આંતરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને અનુલક્ષીને જાધવ કેસમાં સમીક્ષા સુનિશ્ચિત કરવા માટેના પગલાં ઉઠાવી રહ્યો છે.
ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. પહેલા તબક્કામાં અમે જાધવને પત્ની અને માતાને મળવાની મંજૂરી આપી હતી અને હવે પિતાને મળવાની ઓફર કરી છે. અમે ૧૭ જૂને જાધવને ફાંસીની સમીક્ષાની અરજી દાખલ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને તેને કાનૂની વકીલ આપવાની પણ વાત કરી હતી પરંતુ જાધવે અમારી વિનંતી ઠુકરાવી દીધી હતી.
તેમણે કહ્યું કે સરકારે ઇન્ડિયન હાઇ કમિશનને વારંવાર પત્ર લખીને અરજી ફાઈલ કરવાનું તથા ડેડલાઇન પહેલા સમીક્ષા માટેની પ્રોસેસ શરૂ કરવાનું જણાવ્યું હતું.