વોશિંગ્ટનઃ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ એક નિવેદન જારી કરીને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે સાથોસાથ તેના માટે જવાબદારોને ઝડપી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સુરક્ષા પરિષદનાં નિવેદનમાં નોંધપાત્ર બાબત એ છે કે તેમાં આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા પાકિસ્તાન-સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો નામજોગ ઉલ્લેખ છે. પાકિસ્તાનના સમર્થક અને હાફિઝ સઇદના હમદર્દ ચીને વધુ એક વખત પાકિસ્તાનને બચાવવાનો પોકળ પ્રયાસ કર્યો હતો. જોકે તેની કારી ફાવી નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનએસસીના પુલવામા હુમલાવિરોધી નિવેદનને આવકારતા કહ્યું હતું કે સારો પ્રારંભ અડધો જંગ જીતવા સમાન છે.
ચીને આ નિવેદન સામે અવરોધ ઉભો કરતાં પોતાની કેટલીક ચિંતાઓ વ્યક્ત કરીને વિચારણા માટે વધારાના સમયની માગ કરી હતી. તેના કારણે યુએનએસસીના આ નિવેદનમાં એક અઠવાડિયા જેટલો વિલંબ થયો છે. નિવેદન જાહેર થઇ ગયા બાદ પણ ચીને તેનો અવળચંડો અભિગમ બદલ્યો નહોતો અને જણાવ્યું હતું કે આ નિવેદનમાં જૈશ-એ-મોહમ્મદના નામનો ઉલ્લેખ માત્ર છે. આ કોઈ નિર્ણય જાહેર કરાયો નથી. માત્ર સંદર્ભ લેવામાં આવ્યો છે. તેમાં કશું જ પુરવાર થતું નથી.
આતંકવાદ શાંતિ પર ખતરોઃ યુએનએસસી
નિવેદનમાં જણાવાયું છે કે, યુએનએસસીના સભ્ય દેશો જમ્મુ-કાશ્મીરના પુલવામામાં કરાયેલા જઘન્ય અને કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢે છે. આ હુમલામાં ભારતીય અર્ધલશ્કરી દળના ૪૦ જવાનોનાં મૃત્યુ થયાં છે અને સંખ્યાબંધને ઈજા પહોંચી છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. યુએનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, લંબાણપૂર્વકની ચર્ચાઓ પછી આ નિવેદન જારી કરાયું છે.
સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ નિવેદનમાં કહ્યું કે, તમામ પ્રકારના આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે અત્યંત ગંભીર ધમકીરૂપ છે. આતંકવાદનું કોઈ પણ કૃત્ય ગુનાઇત અને અસ્વીકાર્ય છે, ભલે તે ગમે તે ઉદ્દેશ્ય સાથે કરાયો હોય, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે વ્યક્તિએ આ કૃત્ય આચર્યું હોય, પરંતુ તે સ્વીકાર્ય નથી.
પાક. પર આંતરરાષ્ટ્રીય દબાણ: ભારત
ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર તેના કબજા હેઠળના વિસ્તારોમાંથી ચાલતા આતંકી સંગઠનો અને આતંકવાદીઓ તથા પુલવામા હુમલાના જવાબદારો સામે પગલાં લેવાં પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ સર્જાયું છે.