ઇસ્લામાબાદઃ વડા પ્રધાન મોદી ૧૪ મેના રોજ ચીનના પ્રવાસે જાય તે પહેલાં જ ચીને પાકિસ્તાન સાથે સહાય અને મૂડીરોકાણના કરાર કરી ભારતને મોટો આંચકો આપ્યો છે. ૩ હજાર કિ.મી. લાંબા ઇકોનોમિક કોરિડોર માટે બંને દેશો વચ્ચે ૪૬ બિલિયન ડોલરના કરાર સહિત વિવિધ ક્ષેત્રમાં ૫૧ સમજૂતી કરાઈ છે. ગયા વર્ષે ભારતને હથેળીમાં ચાંદ દેખાડી ગયેલા ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ ભારતના પરંપરાગત શત્રુ પાકિસ્તાનની બે દિવસની મુલાકાતમાં ઇસ્લામાબાદ પર ઓળઘોળ થયા હતા.
જિનપિંગે ૧૩૦ કરોડ ચીની નાગરિકોને પાકિસ્તાનના ભાઈઓ ગણાવ્યા હતા હતા. પાકિસ્તાને પણ જિનપિંગનું સ્વાગત કરવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. પાકિસ્તાને સંસદના સંયુક્ત સત્રમાં જિનપિંગના ભાષણનું આયોજન કરી સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન એ પાકિસ્તાન’થી સન્માનિત કર્યા હતા.
ચીની રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચીન પાકિસ્તાનમાં આગામી ત્રણ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર ૨૦ બિલિયન ડોલરને પાર પહોંચાડશે. આમ ચીન, પાકિસ્તાનનો સથી મોટો ભાગીદાર દેશ બન્યો છે. ૨૦૧૪માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૬ બિલિયન ડોલર હતો. એ ઉપરાંત સંરક્ષણ, રેલવે, સડક, બંદર નિર્માણ અને ઊર્જા ક્ષેત્રે બંન્ને દેશો વચ્ચે ૫૧ કરાર થયા છે.