સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને બરાબર ઘેર્યા બાદ જવાબ આપવા બેઠેલા પાકિસ્તાની રાજદ્વારી મલીહા લોધીએ પેલેટ ગનનો ભોગ બનેલી યુવતીની બનાવટી તસવીર રજૂ કરી હતી, પરંતુ લોધીની પોલ ખોલતાં જાહેર કરાયું કે, આ તસવીર પેલેસ્ટાઇનના ગાઝાની રાવ્યા અબુ જોમાની છે. જેને ૨૦૧૪માં ગાઝા શહેર પર ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં ઈજા થઈ હતી. યરૂશાલેમ સ્થિત એવોર્ડ વિનર ફોટોજર્નાલિસ્ટ હૈદી લેવાઇન દ્વારા ૨૨ જુલાઇ ૨૦૧૪ના રોજ આ તસવીર લેવાઇ હતી. આ તસવીર ટ્વિટર પર ૨૭ માર્ચ ૨૦૧૫ના રોજ ડો. રામી અબ્દુ દ્વારા પોસ્ટ કરાઇ હતી.
લોધીએ કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય સમુદાય ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ રોકવા માગતો હોય તો તેણે ભારતની ઉશ્કેરણીઓ અને આક્રમક પગલાં અટકાવવાં જોઈએ. ભારતે એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન અટકાવવું જોઈએ. ભારતે પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠનોને સહાય અટકાવી દેવી જોઈએ. લોધીએ જણાવ્યું હતું કે, સુષ્મા સ્વરાજે જાણી જોઈને તેમનાં ભાષણમાં કાશ્મીરના મૂળ મુદ્દાની અવગણના કરી છે. જો બે દેશો કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જતા હોય તો સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ન કેવળ હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે, પરંતુ વિવાદના ઉકેલમાં મદદ કરવાની જવાબદારી પણ છે. મીડિયા સમક્ષ પાકિસ્તાને કહ્યું હતું કે, સ્વરાજનું ભાષણ ભારતની પાકિસ્તાન પ્રત્યેની નફરત દર્શાવે છે.
પાકિસ્તાને જેહાદીઓ બનાવ્યાં: સુષ્મા
ઉલ્લેખનીય છે કે, ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ૨૩મીએ કહ્યું હતું કે, ભારતના વડા પ્રધાન મોદીએ પાક.ને શાંતિનો રસ્તો બતાવ્યો હતો પણ શાંતિ કોણે ડહોળી તેનો પાકિસ્તાનના વડા પ્રધાન અબ્બાસી જવાબ આપે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ત્રાસવાદ ફેલાવનાર અને પીઓકેમાં લોકો પર અત્યાચાર કરનાર પાકિસ્તાન અમને કયા મોઢે માણસાઈના પાઠ શીખવે છે? ભારતે વૈજ્ઞાનિકો બનાવ્યા જ્યારે પાકિસ્તાને જેહાદીઓ બનાવ્યા છે. અમે આઈઆઈએમ અને આઈઆઈટીનું સર્જન કર્યું જ્યારે પાકિસ્તાને
જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર એ તોયબાનું સર્જન કર્યું છે.