ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સત્તા સંભાળ્યાના ૧૦૦ દિવસની ઊજવણી દરમિયાન પોતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાંતિમંત્રણા કરવા તૈયાર હોવાનું ૨૯મીએ જણાવ્યું હતું. મીડિયા સાથેની વાતમાં ઈમરાને જણાવ્યું કે, પાકિસ્તાની ધરતીનો આતંકવાદ ફેલાવવામાં ઉપયોગ થાય તે દેશના હિતમાં નથી. તેઓ ભારત સાથે ગમે તે મુદ્દે વાત કરવા તૈયાર છે. કાશ્મીરનો મુદ્દો ઉકેલવો શક્ય છે કે કેમ? તેના જવાબમાં ઈમરાને કહ્યું કે, કશું જ અશક્ય નથી. કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યા પછી તેમણે જણાવ્યું હતું કે લોકોની મનોવૃત્તિ બદલાઈ ગઈ છે. શાંતિની વાત એકતરફી હોવી જોઈએ નહીં. તેઓ ભારતમાં હવે પછી થનાર ચૂંટણીની રાહ જોવા તૈયાર છે અને ત્યારબાદની સરકારનું વલણ જોઈશું.
મુંબઈનાં ૨૬-૧૧ હુમલાના આરોપી હાફિઝ સઈદ અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેની સામે યુએનના પ્રતિબંધ છે અને સકંજામાં જ છે. બીજા આરોપીઓ અંગે તે કેસ ન્યાયાધીન છે.
કરતારપુર કોરિડોરને ભારત સાથેની મિત્રતાના દ્વારા સમાન ગણાવી ઈમરાને વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ ખતમ ન કરે ત્યાં સુધી વાટાઘાટો યોજવાનું શક્ય નથી. ભારતમાં મુંબઈ હુમલાની દસમી વરસી મનાવાય છે ત્યારે ભારતે પાક. સરકાર પર મુંબઈ હુમલાના આરોપીઓને સજા કરી ન્યાય આપવા દબાણ વધાર્યું હતું. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દાઉદ અને હાફિઝ સઈદ અંગે પૂછેલા સવાલના જવાબમાં ઈમરાન ખાને જણાવ્યું હતું કે જૂની વાતો માટે તે જવાબદાર નથી.