પાકિસ્તાન ભારત સાથે સ્વસ્થ અને મજબૂત સંબંધો ઈચ્છે છે : ઇમરાન

Thursday 29th November 2018 04:52 EST
 
 

કરતારપુરઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૮મીએ પાકિસ્તાનનાં કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે મજબૂત અને સભ્ય સંબંધો ઇચ્છે છે. જો ભારત એક ડગલું આગળ ભરશે તો અમે બે ડગલાં આગળ વધીશું. હું જ્યારે પણ ભારત જતો ત્યારે લોકો મને કહેતાં કે પાકિસ્તાની સેનાને શાંતિમાં રસ નથી. હું તમને કહું છું કે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે હું, મારી પાર્ટી, અન્ય રાજકીય પાર્ટીઓ અને અમારી સેના ઇચ્છે છે કે ભારત સાથેના સંબંધોમાં સુધારો થાય. અમે ભારત સાથે સભ્ય સંબંધો ઇચ્છીએ છીએ. ઇમરાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાને સારા પાડોશી બનવા મતભેદોનો ઉકેલ લાવવો જ જોઈએ. એકબીજા પર દોષારોપણ કરવાથી ભારત અને પાકિસ્તાન આગળ વધી શકશે નહીં. આપણે ભૂતકાળમાંથી બોધપાઠ લેવો જોઈએ અને ભૂતકાળમાં જીવવું જોઈએ નહીં. આપણે હંમેશાં આગળ વધવું જોઈએ. સારા પાડોશી તરીકે જીવવા આપણામાં પ્રતિબદ્ધતા હોવી જોઈએ, જોકે ઇમરાન ખાને પાકિસ્તાનની ધરતી પરથી ભારતમાં ફેલાવાતા આતંકવાદ મુદ્દે એકપણ હરફ ઉચ્ચાર્યો નહોતો. ઊલટાનું ઇમરાને કાશ્મીરનો રાગ આલાપી બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના માટે કાશ્મીરવિવાદ ઉકેલ લાવવાની હિમાયત કરી હતી. ઇમરાન ખાને શાંતિની સુફિયાણી વાતો તો કરી હતી પરંતુ કરતારપુરમાં આયોજિત સમારંભમાં લશ્કર-એ-તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદના નિકટના સહયોગી અને ખાલિસ્તાનસમર્થક ગોપાલ ચાવલાને હાજર રાખીને પાકિસ્તાને તેના બદઇરાદાના સંકેત આપી દીધા હતા. સમારંભમાં ગોપાલ ચાવલા પાકિસ્તાની સેનાધ્યક્ષ સાથે વાતો કરતો અને હાથ મિલાવતો નજરે પડયો હતો.

ભારત - પાકિસ્તાન વચ્ચે કાશ્મીર એકમાત્ર વિવાદ

ઇમરાને કહ્યું કે, જર્મની અને ફ્રાન્સ વચ્ચે વર્ષો સુધી લડાઈ ચાલી છતાં તેઓ એકજૂથ બની શાંતિમાં જીવી શકતા હોય તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં? દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જેનો ઉકેલ આવી શકે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે એકમાત્ર વિવાદ કાશ્મીર છે. કાશ્મીરવિવાદનો ઉકેલ લાવવા માટે બંને દેશને સક્ષમ નેતાગીરીની જરૂર છે. જો આપણા સંબંધો મજબૂત બને તો તેના કેવા લાભ થઈ શકે છે.

પાકિસ્તાની વડા પ્રધાનનો કાશ્મીર આલાપ: ભારત

ભારતના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને એક ધાર્મિક પર્વનું રાજકીયકરણ કરવાનું પસંદ કર્યું તેનું ઘણું દુઃખ છે. આ પ્રસંગે ઇમરાન ખાને ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાને તેની ધરતી પરથી સરહદ પારના દેશોમાં ફેલાવાતા આતંકવાદનો સફાયો કરવાની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઇએ. આ સાથે જ ભારતે સ્પષ્ટ જણાવ્યું હતુ કે ભલે પાકે. આમંત્રણ આપ્યુ હોય પણ વડા પ્રધાન મોદી સાર્ક માટે પાકિસ્તાન નહીં જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter