હ્યુસ્ટનઃ હ્યુસ્ટનમાં ફક્ત ભારતીય-અમેરિકન સમુદાય જ નહીં, પરંતુ પાકિસ્તાનના સિંધ અને બલોચિસ્તાનના સેંકડો લોકો પાકિસ્તાનથી આઝાદીની માગ માટે પીએમ મોદીનું ધ્યાન આર્કિષત કરવા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી ગયા હતા. કેપિટલ ઓફ એનર્જીની ઓળખ ધરાવતા હ્યુસ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમ પહેલા સિંધી, બલોચ અને પખ્તુનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પાકિસ્તાનના અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બલોચ નેશનલ મુવમેન્ટના પ્રતિનિધિ નબી બક્સ બલોચે પાકિસ્તાનમાં સેના અને આઇએસઆઇની બર્બરતાની રજૂઆત કરતા આઝાદીની માંગ દોહરાવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા સિંધી સમુદાય પર થતા અમાનવીય અત્યાચારો અને માનવ અધિકારના ગંભીર ઉલ્લંઘનો ઉજાગર કરતા જિય સિંધ મુત્તાહિદા મુહાજે બાંગ્લાદેશની જેમ સિંધ પ્રાંતને પણ પાક.ની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ભારતની મદદ માગી હતી. સિંધી અગ્રણી કહકશાં હૈદરે કહ્યું હતું કે, પાકિસ્તાન લઘુમતીઓ માટે કબ્રસ્તાન સમાન બની ગયું છે. પાક. શાસકો અમારી નસ્લને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
જિય સિંધ મુત્તાહિદા મુહાજના સિંધી એક્ટિવિસ્ટ ઝફર સહિતોએ જણાવ્યું હતું કે સિંધી સમુદાય હ્યુસ્ટનમાં એક ખાસ સંદેશ લઇને આવ્યો છે. અહીં મોદી-મોદીના નારા લાગી રહ્યા છે. અમે મોદીને પ્લેકાર્ડ દ્વારા સંદેશ આપવા માગીએ છીએ કે અમે પાકિસ્તાનથી આઝાદી ઇચ્છીએ છીએ. અમારો નરસંહાર થઇ રહ્યો છે. અમને આશા છે કે ભારતના વડા પ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અમારી મદદ કરશે.
ઝફરે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક ફાસીવાદી અને આતંકવાદી દેશ છે, જેને આઇએસઆઇ અને સેના દ્વારા ચલાવાઇ રહ્યો છે. પાકિસ્તાનમાં લોકશાહી જેવું કંઇ નથી. ત્યાં લોકોની હત્યા કરીને તેમનાં અંગો વેચી દેવામાં આવે છે. લઘુમતી સમુદાયોને પૂજાનો અધિકાર નથી. પાકિસ્તાનમાં મંદિર અને ચર્ચ સળગાવી દેવામાં આવે છે. અમારી નસલને જ પૂરી કરવાનો કારસો ચાલી રહ્યો છે. હવે અમે વધુ સહન કરી શકીએ તેમ નથી. ભારત અને અમેરિકા પાકિસ્તાનને થતું ફંડિંગ રોકે અને તેની સેના અને આઇએસઆઇને આતંકવાદી જાહેર કરે.
પાકિસ્તાનના સિંધી સમુદાય ઉપરાંત આઝાદી ઇચ્છી રહેલા બલોચ અને પખ્તુન સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં હ્યુસ્ટન પહોંચ્યા હતા. આ ત્રણેય સમુદાયના લોકો પાકિસ્તાનથી આઝાદી માટે ભારત અને અમેરિકાના નેતાઓને અનુરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાનની સરકાર અમારા સમુદાયોના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કરી રહી છે.
અમેરિકામાં બલોચ નેશનલ મૂવમેન્ટના પ્રતિનિધિ નબી બક્શ બલોચે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનથી આઝાદ થવાની માગ કરી રહ્યા છીએ. ૧૯૭૧માં ભારતે બાંગ્લાદેશને આઝાદ થવામાં મદદ કરી હતી તેવી જ રીતે ભારત અને અમેરિકાએ અમારી મદદ કરવી જોઇએ.
સિંધ પ્રાંતના નેતા કહકશાં હૈદરે પાકિસ્તાની શાસકોના અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ દૂર થવાથી કાશ્મીરમાં વિકાસ થશે, જ્યારે સરહદની આ તરફ એટલે કે પાકિસ્તાનમાં લોકો નર્ક જેવું જીવન જીવી રહ્યા છે. અહીં ભૂખમરો અને ગરીબી છે. અહીં શિક્ષણ સંસ્થાઓ પણ નથી અને આરોગ્ય સેવાઓ પણ યોગ્ય નથી. ભારત-પાકિસ્તાનને અલગ કરતી અંકુશ રેખા પાસે પાકિસ્તાની સેના કેમ્પ કરી રહી છે. આઇએસઆઇ ત્યાં મદરેસાના નામે આતંકી શિબિરો ચલાવી રહી છે. તેમનો હેતુ ભારતમાં આતંકીઓ ઘૂસાડવાનો છે.
યુએન સમક્ષ પણ ધરણાં
અહીં રેલી યોજનાર આ ત્રણેય સંગઠનના નેતાઓ હવે ૨૭ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં યોજાનારી યુએન જનરલ એસેમ્બલી દરમિયાન ફરી વિરોધ પ્રદર્શન યોજવાના છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જિનિવામાં એક આંતરરાષ્ટ્રીય આયોજન દરમિયાન બલુચિસ્તાન, સિંધ અને પાકિસ્તાની પંજાબના અનેક લોકો યુએન કાર્યાલયની બહાર ભેગા થયા હતા અને પાકિસ્તાન દ્વારા થતા અત્યાચારનો વિરોધ કર્યો હતો. સાથોસાથ વૈશ્વિક નેતાઓને પાકિસ્તાનથી આઝાદી અપાવવાની અપીલ કરી હતી.