નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતીય મૂળના કુલભૂષણ જાધવની ફાંસીના વિરોધમાં ભારતે ઉગ્ર વલણ અપનાવ્યું છે. ૧૪મીએ ભારત સરકારે પાકિસ્તાન સાથેની સમુદ્રી સુરક્ષા મુદ્દે આગામી સપ્તાહે યોજાનારી મંત્રણા રદ કરી છે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું હતું કે જાધવ સાથે વાત કરવાના ભારતે ૧૩ પ્રયાસ કર્યા છતાં પાકિસ્તાને ઈનકાર કર્યો હતો. કુલભૂષણ જાધવની ફાંસીની સજા અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના અડિયલ વલણને ધ્યાનમાં રાખી ભારતે તેની દરિયાઇ સુરક્ષા એજન્સી (એમએસએ) સાથે થનારી મંત્રણા રદ કરી દીધી છે. ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે આવા માહોલમાં મંત્રણા થઇ શકે નહીં. ભારતીય તટરક્ષક દળ અને એમએસએ વચ્ચે સોમવારથી દિલ્હીમાં મંત્રણા શરૂ થવાની હતી. માછીમાર, સંશોધન અને બચાવ અભિયાનો જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે એમએસએનું પ્રતિનિધિમંડળ રવિવારે આવવાનું હતું.