નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા બાદ પોલીસમાં તેની ફરીયાદ નોંધાવી છે. ભારતના વિદેશ મંત્રાલયે અત્યારે ગાયબ થયેલા તમામ પાસપોર્ટને રદ કરવાની યોજના બનાવી લીધી છે અને પાકિસ્તાન હાઈકમિશનને પણ આ મામલામાં વાત કરી છે. પાકિસ્તાને ગયા મહિને ૨૧થી ૩૦ નવેમ્બર સુધી ગુરુ નાનકની ૫૪૯મી જ્યંતિમાં સામેલ થવા માટે ૩૮૦૦ ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે વીઝા ઉપલબ્ધ કરાવ્યા હતા. પાકિસ્તાને ૨૩ ભારતીય શીખોના પાસપોર્ટ ગાયબ થવા માટે પોતાની જવાબદારીથી અલગ કરી દીધા છે. આ તમામ પાસપોર્ટ દિલ્હીમાં આવેલા એક એજન્ટે લીધા હતા. જેનો દાવો છે કે તેણે પાકિસ્તાની હાઈકમિશનમાં તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. એજન્ટે ભારતીય અધિકારીઓને જણાવ્યુ કે જ્યારે તે પાસપોર્ટ લેવા માટે પાકિસ્તાન હાઈકમિશન ગયા ત્યાં તેમણે જણાવ્યુ કે તેમને ડોક્યુમેન્ટ મળ્યા જ નથી.