ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ તડજોડ કરીને વિમાન બનાવી નાંખ્યું છે. વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. ફૈયાઝ આ પ્લેનનું રોડ પર ટેસ્ટિંગ કરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગે પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ)એ કહ્યું કે ફૈયાઝે ટેસ્ટિંગ માટેની મંજૂરી મેળવી ન હતી. જ્યારે ફૈયાઝે મીડિયાને જણાવ્યું કે તેણે સીએએને પ્લેન અંગે જણાવ્યું હતું, પરંતુ કોઈ જવાબ નહીં મળતા તેણે મંજૂરી વિના જ ટેસ્ટનો નિર્ણય લઈ લીધો હતો.
મોહમ્મદ ફૈયાઝ કહે છે કે તેને જાતે વિમાન બનાવવાની પ્રેરણા નેશનલ જ્યોગ્રાફિકની એક સીરિઝ ‘એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન’ જોઈને મળી હતી. આ પ્લેન બનાવવા માટે તેણે પોતાનું ખેતર પણ વેચી માર્યું. ચાર વર્ષ પહેલાં તેણે વિચાર કર્યો. અને દોઢ વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું. સખત મહેનત બાદ આખરે તેનું સપનું સાકાર થયું છે. આ વિમાનનું વજન ૯૨ કિલો છે અને તેની પાછળ માત્ર ૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો.
ફૈયાઝે જણાવ્યું હતું કે ટેસ્ટિંગમાં તેના વિમાને ઘણાં ચક્કર લગાવ્યાં. આ વિમાન ૧૦૦૦ ફૂટ ઊંચે સુધી ઊડી શકે છે. પોલીસે ફૈયાઝને કસ્ટડીમાં તો લીધો હતો, પરંતુ તેના વિમાનથી કોઈને નુકસાન ન થયું હોવાથી તેને છોડી દીધો હતો.