નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યાં છે. ૩૦મી ડિસેમ્બરે ખૈબર-પુખ્તુન્વા પ્રાંતના ટેરી ગામમાં એક હિન્દુ મંદિર તોડી તેને આગ લગાડી દેવાઈ હતી. આ ઘટનાની પોલીસે નોંધ લીધી હતી, પરંતુ કોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી નહોતી કે કાર્યવાહી કરાઈ નહોતી.
સ્થાનિક પોલીસે કહ્યું કે, જૂના મંદિરનું સમારકામ ચાલતું હતું. સ્થાનિક રહેવાસીઓને મંદિરનો વિકાસ થાય એ પસંદ નહોતુ તેથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. સ્થાનિક મૌલવી અને જમિયત ઉલેમા એ ઇસ્લામ પાર્ટીના સમર્થકોના નેતૃત્વમાં ભીડે જૂના મંદિરની સાથે સાથે એક નવા મંદિરના નિર્માણ કાર્યને પણ ધ્વસ્ત કરી દીધું હતું. જોકે સ્થાનિક લોકોના વિરોધ બાદ સૂબાના એક પ્રધાને આ ઘટનાની ટીકા કરી હતી અને પોલીસે આ કેસમાં લગભગ ૪૫ લોકોની ધરપકડ કરી હતી.
વીડિયો વાઈરલ થયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં અસંખ્ય લોકો ભેગા થઈને મંદિર તોડતા નજરે પડે છે. સ્થાનિક લઘુમતી આગેવાન અને માનવાધિકાર કાર્યકર્તાઓ આ મુદ્દે કડક પગલાં ભરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો, પણ ભારત સરકાર પણ આ મુદ્દે મૌન રહી એ અંગે પણ ટીકા થઈ હતી.
પાકિસ્તાની પત્રકાર મુબશ્શિર ઝૈદીએ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને લખ્યું કે, મંજૂરી હોવા છતાં મંદિર ન બંધાય એ માટે સ્થાનિક તત્ત્વોએ તોડફોડ કરી હતી.
હુમલાની વિશ્વભરમાં ટીકા
પાકિસ્તનામાં સરકારી ગણતરી પ્રમાણે ૭૫ લાખ જ્યારે અન્ય ગણતરી પ્રમાણે ૯૦ લાખ હિન્દુઓ રહે છે. એ ત્યાંના લઘુમતી છે. ભારત સહિત દુનિયાભરને સલાહ આપતા ઇમરાનની સરકારમાં આ રીતે લઘુમતીઓ પર થતા વારંવાર હુમલાઓની દુનિયાભરમાં ટીકા થઈ હતી.
ભાગેડુ ઝાકિર નાઈકે ઝેર ઓક્યું
ભાગેડુ ઝાકિર નાઈકે ઝેર ઓકતાં કહ્યું કે, ઈસ્લામિક દેશમાં મંદિર હોવું જોઈએ નહીં અને જો કોઈ ઈસ્લામિક દેશમાં મંદિર હોય તો પણ તેને તોડી નાખવું જોઈએ. વોન્ટેડ ઈસ્લામિક ટેલિવિઝનિસ્ટ નાઈકે મૂર્તિઓના વિધ્વંસનું સમર્થન કરતા કહ્યું કે, ઈસ્લામિક દેશમાં મૂર્તિઓની મંજૂરી હોવી જોઈએ નહીં. ઈસ્લામમાં આ રીતે છબી - મૂર્તિની મનાઈ છે પછી ભલે તે પેન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય કે પછી કોઈ જીવિત પશુ પક્ષીની મૂર્તિ હોય કે માણસની મૂર્તિ કે પછી કીડી મકોડાની. આ બધું ઈસ્લામમાં મનાઈ છે અને તેના અનેક પુરાવા છે. ઝાકિર નાઈકે પોતાની વાતને સાબિત કરવા માટે પયગંબર મોહમ્મદ સંલગ્ન એક કિસ્સાનું ઉદાહરણ પણ આપ્યું. કુરાનની એક આયાત સંભળાવતા તેણે કહ્યું કે, મૂર્તિ ક્યાંય પણ બનાવવી જોઈએ નહીં અને જો આવું કઈ હોય તો તેને તોડી નાંખવી જોઈએ. ઝાકિરના નિવેદન પછી વિવાદ વકરી રહ્યો છે. ભારતમાં ઝાકિરની કરતૂતોનો ખુલાસો થયા બાદથી ઝાકિર વિરુદ્ધ અનેક કેસ દાખલ છે અને તે હવે બીજા દેશમાં છૂપાઈ બેઠો છે.