ફાજિલ્કાઃ ભારત-પાકિસ્તાન સરહદે અડીને આવેલા ચાર ગામમાં ખેડૂતો દેવામાં ડૂબી જતાં આખા ગામ જ વેચવા કાઢવામાં આવ્યાં છે. ખેડૂતોએ પોસ્ટર લગાવ્યાં છે, જેના પર લખ્યું છે કે, કોઈ પણ અમીર ઉદ્યોગપતિ તાતા, અંબાણી કે કોઈ પણ સરકાર બોલી લગાવીને ગામ ખરીદી શકે છે. બીજી તરફ આ ઘટનાને પંજાબના પ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય સૂરજીત જિયાણીએ વિરોધીઓનું હલકું રાજકારણ ગણાવી છે.
વાસ્તવમાં ફાજિલ્કાનાં કેરિયાં, મુઠિયા વાલી, ચાનન વાલા અને ચુલ્હીડી વાલા ગામોની જમીન પડતર થઈ રહી છે અને ૯૯ ટકા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. અઢી મહિનાથી નહેરોમાં પાણી નથી. પાક ખરાબ થઈ ચૂક્યો છે. બેન્ક પાસેથી લીધેલી લોન પણ સતત વધતી જઈ રહી છે. એક ખેડૂત દવિંદર સાવનસુખાએ કહ્યું કે, સરહદને અડીને આવેલાં આ ગામોમાં કોઈ સુવિધા નથી. ઘણી સરકાર આવતી-જતી રહી, પરંતુ તેમની મુશ્કેલીઓ ન ઉકેલાઈ એટલે પરિવારનું પેટ ભરવા માટે ખેડૂતોએ ગામો વેચવાનો નિર્ણય કરી લીધો છે. અન્ય એક ખેડૂત ધર્મપાલે કહ્યું કે, છોકરા કુંવારા છે, કોઈ પણ ગામડામાં દીકરા-દીકરીઓનો સંબંધ નથી કરતાં. ગામની પરિસ્થિતિ સુધરે તો છોકરાં પરણે.