ઇસ્લામાબાદ/નવી દિલ્હીઃ પાકિસ્તાન તહરિકે ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને ૧૮મી ઓગસ્ટે પાકિસ્તાનના ૨૨મા વડા પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં હતાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે ૯ વાગે શરૂ થયેલા શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને શપથ લેવડાવ્યાં હતાં. શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પંજાબના નવા ચૂંટાઈ આવેલા ગવર્નર ચૌધરી સરવર, પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાઝા અને પીટીઆઈના નેતાઓ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં.
આ બાજુ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર બાજવા, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન ઝુબૈર મહેમૂદ હયાદ અને ચીફ ઓફ એર સ્ટાફ માર્શલ મુજાહિદ અનવર ખાન પણ પ્રેસિડેન્ટ હાઉસમાં હાજર રહ્યાં હતાં. આ અગાઉ જ્યારે સમારોહમાં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પહોંચ્યા તો નવજોતસિંહ સિદ્ધુ તેમને ભેટી પડ્યાં જે વાતે વિવાદ પણ સર્જાયો છે.
પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન ઊર્દૂમાં શપથ લેતાં ૩ વાર અટક્યા, બે વાર રોકાયા અને શપથ દરમિયાન હસી પણ પડ્યાં. શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં બેઠેલા ગણમાન્ય લોકોએ તાળીઓ વગાડીને તેમને સન્માન આપ્યું હતું.
શપથ લીધા બાદ ઇમરાન ખાને તાજેતરમાં કહ્યું છે કે પાકિસ્તાનને દેવું કરવાની ટેવ પડી ગઈ છે આ દેવું ઓછું કરવા સૌથી પહેલાં પગલાં લેવા પડશે ત્યારે અન્ય એક વિવાદ એ છેડાયો છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નામે એવું નિવેદન જારી કરાયું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને પત્ર લખી બન્ને દેશો વચ્ચે વાટાઘાટોની દરખાસ્ત કરી છે. આ પરિસ્થિતિમાં વિશ્વના દેશોની નજર એ વાતે છે કે ઈમરાનના વડા પ્રધાન બનવાથી ભારત – પાકિસ્તાનના સંબંધોમાં શું પરિવર્તન આવી શકે છે?
પત્ર દ્વારા મોદીની વાટાઘાટની દરખાસ્તઃ પાકિસ્તાનના પ્રધાન
પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઈમરાન ખાનને શુભેચ્છા સંદેશ પાઠવતાં મોદીએ લખેલા પત્રમાં રચનાત્મક અને સાર્થક સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી હતી. પત્રમાં કહ્યું કે ભારત પડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે કટિબદ્ધ છે. પત્રમાં મોદીએ દક્ષિણ એશિયાને આતંક મુક્ત કરવા માટે કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આ પત્ર બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહોમ્મ્દ કુરેશીને ટાંકીને દાવો કરાયો છે કે મોદીએ પત્રમાં બન્ને દેશો વચ્ચે વાટાઘાટોની દરખાસ્ત કરી છે. જોકે, સોમવારે જ પાકિસ્તાનના વિદેશ વિભાગે સ્પષ્ટતા કરીને કહ્યું કે મોદીએ વાટાઘાટોની રજૂઆત નથી કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય મીડિયા પર જ આરોપ મૂક્યો છે કે તેણે બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે.
મુંબઈ હુમલા વખતે પણ વિદેશ પ્રધાન હતા મહોમ્મદ કુરેશી
મહત્ત્વપૂર્ણ વાત એ છે જેમને ટાંકીને મોદીના પત્ર વિશે ટિપ્પણીઓ કરાઈ છે તે વિદેશ પ્રધાન મહોમ્મદ કુરેશી ૨૦૦૮થી ૨૦૧૧ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારમાં પણ આ પદે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન જ મુંબઈ આતંકી હુમલો થયો હતો. હુમલાના સમયે કુરેશી દિલ્હીમાં હતા. આ ઉપરાંત પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે તેમના ૨૧ સભ્યના કેબિનેટની જાહેરાત કરી દીધી હતી. તેમાંથી ઓછામાં ઓછામાં ૧૨ સભ્ય જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફની સરકારમાં મુખ્ય પદો પર રહી ચૂક્યા હતા. કેબિનેટમાં ૩ મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું કે ૨૧ સભ્યોમાંથી ૧૬ પ્રધાન અને પાંચ સલાહકાર રહેશે. જોકે પરવેઝ ખટ્ટકને સંરક્ષણ અને શેખ રાશિદને રેલવે પ્રધાન ઘોષિત કરાયા છે. અસદ ઉમરને નાણા પ્રધાનનું પદ મળ્યું છે. ૩ મહિલા પ્રધાનોમાં શિરીન મજારી, જુબૈદા જલાલ અને ફેમિદા મજિયાનો સમાવેશ થાય છે.
ઇમરાન વડા પ્રધાન નિવાસે નહીં ૩ બીએચકે ફ્લેટમાં રહેશે
પાકિસ્તાનના નવા વડા પ્રધાન વડા પ્રધાન નિવાસસ્થાને નહીં પરંતુ ૩ બીએચકેના ફ્લેટમાં રહેશે. ૮૦ કારનો કાફલો પણ નહીં રાખે, પરંતુ બે કાર જ વાપરશે. બાકીની કારોની હરાજી કરી લેશે. તેમાંથી મળેલી રકમ એવા કામમાં લગાવશે જે દેશના કામ આવે. સપોર્ટીંગ સ્ટાફમાં ૫૨૪ને બદલે માત્ર બે લોકોને રાખશે. રાષ્ટ્રને પ્રથમ વખત સંબોધિત કરતાં ઇમરાન ખાને આ વાતો કહી હતી. પાકિસ્તાનનું વડા પ્રધાન નિવાસસ્થાન ૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બનેલું છે. દેશના ‘વઝિરે આઝમ’ની સેવા માટે ૫૨૪ લોકોનો સ્ટાફ ખડે પગે રહેતો આવ્યો છે.
ઈચ્છા નહોતી છતાં પીઓકે પ્રમુખની બાજુમાં બેસાડાયોઃ સિદ્ધુ
પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ વડા પ્રધાન પદે ઇમરાન ખાનની શપથવિધી માટે પાકિસ્તાન ગયા હતા. જોકે તેમની આ પાકિસ્તાન મુલાકાતથી ભારે વિવાદ પણ થયો હતો, દરમિયાન સિદ્ધુ રવિવારે ભારત પરત આવી ગયા હતા. પાકિસ્તાનમાં પાક. સૈન્ય વડા કમર બાજવાને કેમ ભેટયા તેને લઇને થયેલા વિવાદનો સિદ્ધુએ જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જો કોઇ મારી પાસે આવે અને કહે કે પહેલા શીખ ગુરુ ગુરુ નાનક દેવના ૫૫૦માં જન્મદિન નિમિત્તે પાકિસ્તાનના કરતારપુર સાહીબ ગુરુદ્વારાના માર્ગ ખોલવામાં આવશે કેમ કે આપણે બધા એક સંસ્કૃતિના છીએ. જો કોઇ મને આવું કહે તો હું શું કરું? સિદ્ધુ ઇમરાન ખાનની શપથવિધિમાં ગયા ત્યારે તેઓ જે મહેમાનો બેઠા હતા તેમાં પીઓકેના પ્રમુખની બાજુમાં બેઠા હતા. જેને પગલે પણ વિવાદ થયો હતો. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે હું કોઇ અન્ય જગ્યાએ જ બેઠો હતો જોકે મને ત્યાંથી ઉઠાવીને પીઓકેના પ્રમુખ પાસે બેસાડવામાં આવ્યો હતો.આવી સ્થિતિમાં જ્યારે તમને કોઇ આમંત્રિત કરે અને તમે મહેમાન બનીને ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ કહે ત્યાં બેસવું પડે. સિદ્ધુનો વિરોધ પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહ પણ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સૈન્યના વડાને આ રીતે ભેટી પડવું અયોગ્ય બાબત છે.