પાકિસ્તાનના પવિત્ર નનકા સાહિબ ગુરુદ્વારા પર ભીડ દ્વારા પથ્થરમારો

Sunday 05th January 2020 05:40 EST
 
 

લાહોર: પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ૩જી જાન્યુઆરીએ સેંકડો લોકોની ભીડે પથ્થરમારો કર્યો હતો. ગુરુદ્વારા પર પથ્થરમારા પછી આસપાસ તોડફોડ કરીને ભયનો માહોલ ઊભો કરાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો. આ ઘટના સાથે સંકળાયેલા એક વીડિયોમાં એક કટ્ટરપંથી ભાષણ આપી રહ્યો છે. તે શીખોને નનકાના સાહિબથી ભગાડી મૂકવા અને આ પવિત્ર ગુરુદ્વારાનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપતો દેખાતો હતો.
કટ્ટરપંથીઓએ ગુરુદ્વારાને ઘેરી લીધું હોવાથી પહેલી વાર એમાં ભજન-કીર્તનનો કાર્યક્રમ રદ રહ્યો હતો. આ દિવસોમાં ગુરુ ગોવિંદસિંહજીના ગુરુપરબ પ્રસંગે અખંડ પાઠ શરૂ થવાના હતા. બીજી તરફ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે શીખોની સુરક્ષા માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને હાકલ કરી હતી. આ ઘટના બનતાં જ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને અકાલી દળે પાકિસ્તાનના દૂતાવાસની બહાર પ્રદર્શન કરવાનું જાહેર કર્યું હતું. અકાલી નેતા મનજિંદર સિંહ સિરસાએ ચોથી જાન્યુઆરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા જે કરાયું છે તે નિંદનીય છે. પાકિસ્તાન દ્વારા શીખ ગુરુદ્વારાને મસ્જિદમાં ફેરવવાનો આ ખુલ્લો પ્રયાસ છે. ઈમરાન ખાન આ મુદ્દે મૌન છે. શીખોના રોષ પછી પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને પાંચમીએ મૌન તોડીને આ ઘટનાને ખરાબ ગણાવી હતી. રવિવારે ઈમરાન ખાને ટ્વિટ કરી હતી કે લઘુમતીઓ પ્રત્યે તેમના વિચારોની વિરુદ્વની આ ઘટના છે. ઇમરાને લખ્યું કે નનકાના સાહિબની ઘટના અને ભારતભરમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ પર થઇ રહેલા હુમલા વચ્ચે જે સૌથી મોટો તફાવત છે તે એ છે કે નનકાના સાહિબની ઘટના મારા વિઝનની વિરુદ્ધ છે. ગુરુદ્વારા પર હુમલા પછી દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં શીખોએ હુમલાને વખોડીને વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter