ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મંગળવારે સ્પેશ્યલ કોર્ટે દેશદ્રોહના કેસમાં મોતની સજા સંભળાવી હતી. પેશાવર હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશ્યલ કોર્ટની ત્રણ સભ્યવાળી બેન્ચે ૭૬ વર્ષીય મુશર્રફને લાંબા સમયથી ચાલતા દેશદ્રોહના કેસમાં મોતની સજા સંભળાવ્યા બાદ મુશર્રફ ભાંગી પડ્યા હતા. મુશર્રફની સજા બાદ સરકાર તરફથી સૂચના પ્રધાન ડો. ફિરદૌસ અવાને કહ્યું કે સરકાર મૃત્યુની સજાની વિસ્તારપૂર્વક સમીક્ષા કરશે. સરકાર જનરલ બાજવાના કાર્યકાળ વધારવાના મામલાને પણ જોશે.
વર્ષ ૨૦૦૭માં સંવિધાનને સસ્પેન્ડ કરવા અને દેશમાં ઇમરજન્સી નાંખવાના આરોપમાં મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો. આ એક દંડનીય ગુનો છે અને આ કેસમાં તેમની વિરુદ્ધ ૨૦૧૪માં આરોપ નક્કી કરાયા હતા. પૂર્વ સૈન્ય પ્રમુખ માર્ચ ૨૦૧૬માં સારવાર માટે દુબઇ ગયા અને સુરક્ષા અને તબિયતનો હવાલો આપી ત્યાંથી પાછા આવ્યા જ નહીં.
બે સંસ્થાનો વચ્ચેની લડાઈ
પાકિસ્તાનના ૭૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે જ્યારે એક પૂર્વ સરમુખત્યારને દેશદ્રોહના મામલામાં મોતની સજા સંભળાવવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે ચિફ જસ્ટિસ ખોસાના કારણે તેને પાકિસ્તાની ન્યાય વ્યવસ્થા તરફથી સેના સામે પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ખોસાએ આર્મી ચિફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળ પર સવાલો ઉભા કરીને તેને ૩ વર્ષથી ઘટાડીને ૬ મહિનાનો કરી દીધો હતો.