લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમનું ૧૧મી સપ્ટેમ્બરે લંડનની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લંડનની હાર્લી સ્ટ્રીટ ક્લિનિકમાં જૂન ૨૦૧૪થી સારવાર લઈ રહ્યા હતા. નવમી સપ્ટેમ્બરે તબિયત બગડતાં લાઈફ સપોર્ટ પર રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ તેમના પુત્રી મરિયમ અને જમાઈ મુહમ્મદ સફદર હાલમાં પાકિસ્તાનની રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. જુલાઈમાં તેઓ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠર્યા હતા. તેમને કુલસુમની અંતિમક્રિયામાં ભાગ લેવા માટે પેરોલ મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
બેગમ કુલસુમનો મૃતદેહ પાકિસ્તાન લવાશે. વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું હતું કે કુલસુમના વારસદારો અને પરિવારને કાયદા મુજબ સુવિધાઓ મળશે. સેનાના વડા કમર બાજવાએ કુલસુમના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બેગમ કુલસુમને ઓગસ્ટ, ૨૦૧૭માં ગળાના કેન્સરનું નિદાન થયું હતું અને અનેક સર્જરી કરી હતી. ત્યારબાદ હૃદયરોગનો હુમલો થતાં લંડનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
૧૯૫૦માં લાહોરમાં જન્મેલા કુલસુમ કાશ્મીરી પરિવારનાં હતાં. તેઓ વિખ્યાત ગામા પહેલવાનના પ્રપૌત્રી હતા. શરીફ સાથે ૧૯૭૧માં નિકાહથી જોડાયેલાં કુલસુમ હસન, હુસૈન, મરિયમ અને અસમા એમ ચાર સંતાનોનાં માતા છે.