ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર હાઉસની લકઝરી કારોની હરાજી સોમવારથી શરૂ થઈ છે. આ હરાજી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે. જેમાં બીએમડબલ્યુ, મર્સિડીઝ, લેન્ડ ક્રૂઝર અને એસયુવી સહિત અનેક અન્ય કારોની હરાજી કરવામાં આવશે. તેમાં અનેક બુલેટપ્રૂફ કાર પણ સામેલ છે. નાણાંની ખેંચ અનુભવી રહેલી પાકિસ્તાન સરકારે ખર્ચ રોકી અને ઉપયોગમાં ન લેવાતી ચીજોની હરાજીથી આર્થિક ઉપાર્જનના હેતુથી આ નિર્ણય લીધો છે.
બીએમડબલ્યુ, મર્સિડીઝ પણ સામેલ
પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે હરાજી માટે રાખવામાં આવેલી કુલ ૧૦૨ કારમાંથી ૭૦ કાર પ્રથમ દિવસે જ વેચાઈ ગઈ છે. આ તમામ કાર તેની બજાર કિંમત કરતાં વધુ કિંમતમાં વેચાઈ છે. જાણકારી પ્રમાણે, આ દરમિયા કારની સૌથી વધુ બોલી લગાવીને તેને હાંસલ માણસને એ કારની ૧૦ ટકા કિંમત એ સમયે જ ચૂકવવાની રહે છે. હરાજીમાં ૮ બીએમડબલ્યુ, ૨૮ મર્સિડીઝ, ૪૦ ટોયોટા કાર, ૨ લેન્ડ ક્રૂઝર, પાંચ મિત્સુબિશી અને બે જીપ સામેલ છે. વાસ્તવમાં, પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર ખર્ચ ઓછો કરવા માગે છે. જેના કારણે લક્ઝરી વાહનોની યાદી તૈયાર કરવામાં આવી અને તેને વેચાણ માટે વડા પ્રધાનના નિવાસસ્થાને રાખવામાં આવી છે. સરકારના ખર્ચ ઓછા કરવાના પોતાના વચનને પાળતા વડા પ્રધાન ઈમરાન ખાન પદ સંભાળ્યા પછીથી પોતાના સૈન્ય સચિવના ત્રણ રૂમવાળા ઘરમાં પોતાના બે સહયોગીઓ સાથે રહે છે.