અમૃતસરઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં હિન્દુઓ ધાર્મિક સત્સંગનું ઓયોજન કરી શકે. ત્યાં એક પ્રાચીન મંદિર છે પરંતુ ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચન કરવાની મનાઇ છે. મારગલ્લા પહાડો નીચે સ્થિત સૈદપુરના રામ મંદિરનું નિર્માણ ૧૫૮૦ની આસપાસ રાજા માન સિંહે કરાવ્યું હતું. મંદિરમાં યાત્રીઓના રોકાણ માટે ધર્મશાળા પણ બનાવવામાં આવી છે પરંતુ વર્ષોથી ધર્મશાળાનો ઉપયોગ ટોયલેટ તરીકે કરવામાં આવે છે.
પાકિસ્તાનના તહરીફ-એ-ઇંસાફના મેમ્બર ઓફ નેશનલ એસેમબ્લી લાલ ચંદ મલ્હીએ ૧૧ ઓગસ્ટ 'નેશનલ માઇનોરીટી ડે' પર રામ મંદિર હિન્દુ પરિવારોને સોંપવાની માગ કરતો પત્ર પાક. વડા પ્રધાનને લખ્યો હતો. મલ્હિએ ટેલિફોન પર જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદમાં લગભગ સાડા આઠસો હિન્દુઓ વ સેછે. તેમને રામ મંદિરમાં જવાનો અધિકાર મળવો જોઇએ. માનવ અધિકાર કાર્યકર્તા કપિલ દેવે જણાવ્યું કે, ભારત-પાક.ના ભાગલા પહેલા સૈદપુરમાં મોટી સંખ્યામાં હિન્દુઓ વસતા હતા. મોટા ભાગના હિન્દુઓ ૧૯૪૭માં ભારત ચાલ્યા ગયા હતા. સાથે મંદિરની મર્યાદા પૂરી થવા લાગી. તેમણે કહ્યું, હવે બિનહિન્દુઓ ચંપલ પહેરીને મંદિરમાં જાય છે. ૨૦૦૬માં સૈદપુરને ટૂરિસ્ટ સાઇટનો દરજ્જો અપાયો હતો. પરંતુ મંદિર હિન્દુઓને સોંપાયું નથી.