પાકિસ્તાનના વડા પ્રધાન નવા, પણ ‘રાગ’ જૂનો

Wednesday 13th April 2022 05:07 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને અપાયેલા અભિનંદન બદલ આભાર માનતા કહ્યું છે કે તેમનો દેશ ભારતની સાથે શાંતિ અને સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છે છે. આની સાથે સાથે જ શરીફે પુરોગામીઓની જેમ કાશ્મીર રાગ આલાપતા કહ્યું હતું કે જોકે કાશ્મીર સહિતના વિવાદોના સમાધાન વગર આ શક્ય નથી. ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે - નાટ્યાત્મક સંજોગોમાં ઇમરાન સરકારના પતન બાદ-સોમવારે પાકિસ્તાનના 23મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મોદીએ આપ્યા અભિનંદન
વડા પ્રધાન મોદીએ સોમવારે 70 વર્ષના શાહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ અભિનંદન આપ્યા હતા. મોદીએ ટ્વિટ કર્યું હતું કે ભારત આતંકમુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે કે જેથી અમે અમારા વિકાસના પડકાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને અમારા લોકોની સમૃદ્ધિ તેમજ કલ્યાણ સુનિશ્ચિત કરી શકીએ.

શાહબાઝે માન્યો આભાર
વડા પ્રધાન મોદીના ટ્વિટના જવાબમાં શાહબાઝે લખ્યું હતું, 'નરેન્દ્ર મોદી તમારી શુભેચ્છા માટે આભાર. પાકિસ્તાન ભારતની સાથે શાંતિ અને સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છે છે. ઘણાં સમયથી કાશ્મીરની સમસ્યા સહિતના ગુંચવાયેલા મુદ્દાઓ સામેલ છે જેનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી છે. આતંકવાદનો સામનો કરવા માટે પાકિસ્તાને જે ત્યાગ કર્યો છે તેની બધાંને જાણ છે. આપણે શાંતિ સુનિશ્ચિત કરતા લોકોના આર્થિક વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે.' તેમણે કહ્યું, 'હું વડા પ્રધાન મોદીને સલાહ આપવા માંગુ છું કે બંને દેશોમાં ગરીબી, બેરોજગારી, શિક્ષણની સ્થિતિ, ઉદ્યોગ-વેપારની સ્થિતિ છે.... શા કારણે આપણે આપણી આવનારી પેઢીઓને નુકસાન કરવા માગીએ છીએ? આવી સ્થિતિમાં કાશ્મીરનો મુદ્દો, કાશ્મીરના લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને દુશ્મની ખતમ કરી દઈએ.'
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેમજ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાની જાહેરાત બાદ ભારત-પાક. સંબંધો બગડી ગયા હતા. આ સમયે વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું હતું કે- 'પાકિસ્તાન કાશ્મીરીઓનું છે, અને કાશ્મીરી પાકિસ્તાનના છે. કાશ્મીરમાં નિર્દોષ મુસલમાનોનું લોહી વહી રહ્યું છે.'
સેનેટ ચેરમેને શપથ લેવડાવ્યા
સોમવારે મોડી રાત્રે શાહબાઝ શરીફે વડા પ્રધાન પદે શપથ લીધા હતા. પાક.ના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની તબિયત બગડતા સેનેટના ચેરમેન સાદીક સંજરાણીએ શરીફને હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લેવરાવ્યા હતા. નેશનલ એસેમ્બ્લીમાં પીએમએલએનના નેતા તરીકે તેમને 174 મત સાથે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવતા વડા પ્રધાન પદનો માર્ગ ખુલ્લો થયો હતો.
ઈમરાન સહિત તમામ સાંસદોનાં રાજીનામાં
સંસદમાં નવા વડા પ્રધાનને ચૂંટવાનાં મતદાન પહેલાં ઈમરાન ખાન તેમજ તેમની પાર્ટીનાં તમામ સાંસદોએ સંસદમાંથી રાજીનામાં આપવાની જાહેરાત કરી હતી અને કાર્યવાહીનો બોયકોટ કર્યો હતો. આ પછી તો શાહબાઝ શરીફનો વડા પ્રધાન પદે ચૂંટાવાનો માર્ગ એકદમ મોકળો થઇ ગયો હતો.
ચીન સાથેની મૈત્રી અતૂટ
શાહબાઝ શરીફે કહ્યું હતું કે ચીન સાથેની મૈત્રી અતૂટ છે. સરકાર ચીન દ્વારા પ્રાયોજિત તમામ યોજનાઓ ફરી શરૂ કરશે. તેમણે ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાને ખાસ મિત્રો ગણાવ્યા હતા. અમેરિકા સાથે પણ સારા સંબંધો પ્રસ્થાપિત કરવા ભાર મૂક્યો હતો. ઈમરાનના વિદેશી કાવતરાંનાં દાવાને ખોટો ગણાવ્યો હતો.
ઇમરાન સરકારનું પતન
પાકિસ્તાનના રાજકારણમાં શનિવારનો દિવસ ઐતિહાસક અને ઘટનાઓથી ભરેલો રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે શનિવારે સવારે નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થવાનું હતું. જોકે, સત્તા બચાવવા માટે હવાતિયાં મારતા ઈમરાન ખાન મોડી રાત્રે વિશ્વાસ મત હારતા સરકારનું પતન થયું હતું અને વિપક્ષનો વિજય થયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળવા મોડી રાત સુધી શાસક પક્ષ દ્વારા વારંવાર નેશનલ એસેમ્બલી મુલતવી રખાઈ હતી.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અંતે મોડી રાત્રે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શરૂ થયું હતું. જોકે, તે પહેલાં જ સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકર કાસીમ સુરીએ રાજીનામું આપી દીધું હતું. મતદાન પ્રક્રિયા શરૂ થવાની સાથે જ ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના બધા જ સાંસદો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. અંતે વિશ્વાસ મત હારતા ઈમરાન ખાનની સરકાર ગઈ હતી, જેને પગલે ઈમરાન ખાન પીએમ નિવાસ છોડીને પોતાના અંગત નિવાસે રવાના થયા હતા. આ પહેલાં ઈમરાન ખાને આર્મી વડા કમર બાજવાની હકાલપટ્ટી કરી હોવાના અહેવાલોએ પાકિસ્તાનમાં ચકચાર મચાવી હતી. જોકે, ઈમરાને આ અહેવાલ ફગાવી દીધા હતા.

એકલા હાથે લડતો રહીશ: ઈમરાન
અગાઉ ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ભાગી રહ્યા હોવાથી મોડી રાત સુધી વારંવાર નેશનલ એસેમ્બલી મુલતવી રખાઈ હતી. એટલું જ નહીં સત્તા બચાવવા માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં તેના આદેશ વિરુદ્ધ રીવ્યુ પીટીશન દાખલ કરી હતી. વધુમાં ઈમરાન ખાને રાત્રે બોલાવેલી કેબિનેટ બેઠક પછી જાહેરાત કરી હતી કે તે રાજીનામું નહીં આપે. તે એકલા હાથે પણ વિદેશી કાવતરાં સામે લડતો રહીશ. ઈમરાન ખાનની હાકલ પછી લાહોર અને ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઈમરાનને રોકવા કોર્ટમાં અરજી

પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન દેશ છોડીને ચાલ્યા ન જાય તે માટે તેમને દેશમાં જ રોકવા હાઈ કોર્ટમાં અરજી કરાઇ હતી. અરજદાર મૌલવી ઈકબાલ હૈદરે અમેરિકાનાં કહેવાતા ધમકી પત્રની સત્યતા અંગે તપાસ કરવા કોર્ટમાં દાદ માંગી હતી. તેમણે ઈમરાન ખાન તેમજ તેમનાં પૂર્વ પ્રધાનો, પૂર્વ નેશનલ એસેમ્બ્લી ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી તેમજ અમેરિકા ખાતેનાં પૂર્વ રાજદૂત અસાદ મજિદને દેશ છોડતા રોકવા માગણી કરી હતી.

ઈમરાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
પાકિસ્તાનનાં તમામ મોટા શહેરોમાં ઈમરાન ખાનનાં ટેકેદારો દ્વારા તેમને ખોટી રીતે સત્તા પરથી હટાવવાનાં આક્ષેપો કરીને સરકાર વિરુદ્ધ ધરણાં - વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, મુલતાન સહિત સિંધ અને પંજાબ પ્રાંતમાં ઠેર ઠેર લોકો ઈમરાનનાં ટેકામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. આર્મીનો વિરોધ કર્યો હતો અને ‘ચોકીદાર ચોર હૈ’ એવા સૂત્રો પોકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter