કરાંચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરી બળજબરીથી ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ અટકાવતો ઠરાવ ૧૬મીએ સર્વાનુમતે પસાર થઈ ગયો છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે આકરા પગલાં લેવાશે. ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ (જીડીએ)ના ધારાસભ્ય નંદુકમાર ગોકલાણી દ્વારા ૧૬મીએ રજૂ કરાયેલા આ ઠરાવને શાસક પાકિસ્તાન પીપલ્સ પાર્ટી તેમજ મુત્તાહિદા કયામી મૂવમેન્ટ, પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ અને કટ્ટરવાદી જમાત-એ-ઈસ્લામીએ ટેકો આપ્યો હતો.
પાકિસ્તાનના હિન્દુ માનવ અધિકાર પંચે એપ્રિલમાં તેના વાર્ષિક અહેવાલમાં હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓના અપહરણ અને બળજબરીપૂર્વક તેમના લગ્નની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતો અહેવાલ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા એક જ વર્ષમાં સિંધ પ્રાંતના દક્ષિણ ભાગમાં જ આવી ૧૦૦૦ ઘટનાઓ નોંધાઈ હતી. આ અહેવાલના મહિનાઓ પછી આ ઠરાવ પસાર કરાયો છે. માર્ચ મહિનામાં હોળીની પૂર્વ સંધ્યાએ ઘોટકી જિલ્લામાં બે હિન્દુ સગીરાઓ રવિના (૧૩) અને રીના (૧૫)નું તેમના ઘરમાંથી એક જૂથ દ્વારા અપહરણ કરાયું હતું. અપહરણના થોડાક સમય પછી એક મૌલવી બંને સગીરાઓનાં નિકાહ કરાવતો હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો.