ઇસ્લામાબાદઃ ભારતના હવાઇ આક્રમણના અહેવાલ બાદ પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની એરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક જવાબ આપવાને કારણે ભારતે પાછળ હટવું પડ્યું હતું. કેટલાકે વળી એક સાથે બે તસવીર ટ્વીટ કરી હતી કે જેમાં એકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ મોદીને સંરક્ષણ બાબતે કેબિનેટ બેઠક યોજતા દર્શાવાયા હતા તો બીજી તસવીરમાં પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનને આરામ ફરમાવતા દર્શાવાયા હતા.
પાકિસ્તાનમાં દિવસભર ટ્વિટર પર બાલાકોટ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની એરફોર્સ ટ્વિટર ઉપર ટ્રેન્ડ કરતા રહ્યા હતા.
• નાયાબ કયાનીએ લખ્યું, ‘આપણે સૂતા હતાં, પણ આપણા જવાન જાગી રહ્યા હતા, અલ્લાહ તેમનો સાથ આપે.’
• યાસિર મલિકે ટ્વીટ કર્યું છે કે ભારતે ફરી એક વાર એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે અને પોતાની સેનાના એરક્રાફ્ટે તેને સીમા પાર મોકલ્યા છે. પરંતુ માશાઅલ્લાહ અમારી એરફોર્સે તેમને જડબાતોડ જવાબ આપ્યો અને પરત ફરવા મજબૂર કર્યા હતા.
• અરસલન યાકૂબે લખ્યું છેઃ ‘૧૦૦ કરોડ હિંદુ આપણા પર હુમલો કરવા માટે તૈયાર છે અને આપણે ૨૦ કરોડ પાકિસ્તાનીઓ કોઈ ચિંતા વગર પીએસએલ જોઈ રહ્યા છીએ, કારણ કે આ જે સંતોષ છે તેની પાછળ સૈનિકો છે.’
• ખુર્રમ કેટીએસ નામના ટ્વિટર હેન્ડલ પર લખાયું છે, ‘ભારતની તરફથી હવાઈ હુમલાની પ્રથમ જાણકારી ભારતના કૃષિ મંત્રીએ આપી, જુઓ ક્યાંક ટામેટા તો નથી માર્યા ને.’
• આ દરમિયાન પાકિસ્તાનના અમુક લોકોએ પોતાની સરકાર અને સેનાને સવાલો કર્યા છે. જેમ કે, પાકિસ્તાનના ફવાદ જાવેદે પાકિસ્તાની સેનાને સવાલ કર્યો છે કે ભારતીય વિમાન સીમા પાર ઘૂસ્યા કેવી રીતે? જાવેદે ટ્વીટ કરી પૂછ્યું, ‘તેઓ આપણા હવાઈક્ષેત્રમાં ઘૂસી ગયા તો આપણી સેનાએ તેમને કેમ તોડી ન પાડ્યા? હવે તમે માત્ર ટ્વિટર ઉપર ફાયર કરી રહ્યા છો.’
• પાકિસ્તાનના એક પત્રકાર અહમદ નિરાનીએ લખ્યું છે, ‘કાલે રાત્રે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જે કર્યું તેની હું નિંદા કરું છું. આમ તો હું યુદ્ધની વિરુદ્ધ છું, પણ મને પાકિસ્તાની સેના પર પૂરો ભરોસો છે કે તેઓ ભારતની કાર્યવાહીનો પૂરી તાકાતથી જવાબ આપશે. આ પાકિસ્તાનના સન્માનનો સવાલ છે.’