ઈસ્લામાબાદઃ પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૯૩ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. તેમાં ૨૦થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા મોટાભાગનાં લોકો વકીલાત સાથે સંકળાયેલાં હતાં.
બ્લાસ્ટ સમયે લગભગ ૧૦૦ જેટલી સંખ્યામાં વકીલો અને પત્રકારો હાજર હતા. કહેવાય છે કે બલુચિસ્તાનના બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ બિલાલ અનવરને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં વકીલો ઉમટયા હતા. બીજી તરફ આ બાબતને રાજકીય રંગ આપતાં બલુચિસ્તાનના વડા પ્રધાન સનાઉલ્લાહ જેહરીએ ઝેર ઓક્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય એજન્સી રો દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે. જોકે બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન તાલિબાનના આતંકી સંગઠન જમાત ઉદ અરહરે સ્વીકારી છે.