કરાચી: પાકિસ્તાનમાં વિષમ સંજોગો વચ્ચે કોઈ હિન્દુ મહિલા ડીએસપીના હોદ્દા સુધી પહોંચી છે. મનીષા રુપેતા નામના આ મહિલા સિંધ લોકસેવા વિભાગની પરીક્ષા પાસ કરીને તાલીમ મેળવ્યા બાદ હવે ડીએસપીના હોદ્દા પર નિયુક્ત થયા છે.
મનીષા રુપેતા સિંધના પછાત જિલ્લા જાકૂબાબાદાની રહેવાસી છે અને તેણે અહીંથી જ પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનારાં મનીષાના માતાએ તનતોડ મહેનત કરીને પોતાના પાંચ સંતાનોનો એકલા હાથે ઉછેર કર્યો છે. મનીષાની ત્રણ બહેનો ડોક્ટર છે, જ્યારે તેમનો એકમાત્ર ભાઈ મેડિકલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે.
મનીષાના જણાવ્યા પ્રમાણે તેણે પણ મેડિકલ ક્ષેત્રે એડમિશનનો પ્રયાસ કર્યો હતો, પણ એક માર્ક ઓછો હોવાને કારણે તેને એમબીબીએસમાં પ્રવેશ મળ્યો નહોતો. આ પછી તેણે ડોક્ટર ઓફ ફિઝિકલ થેરપીની ડિગ્રી લીધી હતી અને અભ્યાસ દરમિયાન જ તેણે સિંધ લોક સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરી હતી. આ પરીક્ષામાં તે 16મો ક્રમ મેળવ્યો હતો. મનીષાના કહેવા અનુસાર પાકિસ્તાનમાં સામાન્ય રીતે મહિલાઓ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ભાગ્યે જ જાય છે, પણ મને પોલીસની જોબ પસંદ હોવાથી જ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું હતું.