હ્યુસ્ટનઃ પાકિસ્તાનની આતંકને સમર્થન આપતી નીતિના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭મીએ ૩૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અપીલ હતી કે આતંકને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની મુખ્ય ભૂમિકા છે તે બાબત છતી થવી જોઈએ અને તેનો વિરોધ થવો જોઇએ. આ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઇ રહેલા હુમલાઓ તથા અત્યાચાર બાબતે પણ પાકિસ્તાની સરકારની ટીકા કરાઈ હતી.
‘ગ્લોબલ ટેરરિસ્ટ સ્ટેટઃ પાકિસ્તાન’, ‘કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે’, ‘પાકિસ્તાને લઘુમતીઓ વિશે વિચારવાની જરૂર છે’, ‘પાકિસ્તાને કાશ્મીરી પંડિતો, હિન્દુઓ અને શીખોની કત્લેઆમ કરી છે’ જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ પોકાર્યું હતું કે, પુલવામામાં હુમલો એ ભારતના સાર્વભૌમ પરનો હુમલો છે.
આ રેલી પહેલાં હ્યુસ્ટનમાં ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા’ અને ‘અ ફ્રેન્ડ્ઝ ઓફ ઇન્ડિયા સોસાયટી’ દ્વારા મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બંને સંગઠનો વતી ડો. વીણા અંબરાડારે નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાનની બેધારી નીતિના કારણે છેલ્લાં ૩૦ વર્ષથી કાશ્મીરી પંડિતો ઘરવિહોણા અને હિજરતી બન્યા છે.