જાકાર્તાઃ અહીં યોજાયેલી એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે. જોકે, સામે ભારતે આ વાતનો જડબાતોડ જવાબ આપ્યો હતો કે, કાશ્મીર મુદ્દા માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરે છે. પાકિસ્તનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૯૫૫માં ઘડાયેલા કેટલાક કાયદા માનવીના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. કોન્ફરન્સમાં હાજર રહેનારા દેશોને તે માટે ગૌરવ છે પરંતુ હજી પણ ઘણા દેશ તે સમયની ગુલામીમાંથી મુક્ત થવા ઇચ્છે છે. ૬૦ વર્ષ પછી પણ પેલેસ્ટાઇનથી માંડીને કાશ્મીરના લોકોને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર નથી તે દુઃખદ છે.
કોન્ફરન્સમાં ઉપસ્થિત ભારતના પ્રતિનિધિ અનિલ વાધવાએ તરત જ જવાબ આપ્યો હતો કે પાકિસ્તાનની આ માન્યતા કમનસીબ છે કે તેણે કાશ્મીર મુદ્દો ઉછાળવા આંતરરાષ્ટ્રીય મંચનો સહારો લીધો છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.