બિજિંગઃ પાકિસ્તાનમાં તીડનાં ટોળાએ છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વર્તાવ્યો છે. આ ત્રાસથી પાકિસ્તાનને બચાવવા ચીન એક લાખ બતકોનું અનોખું સૈન્ય મોકલી રહ્યું છે. પાકિસ્તાનના ૯ લાખ હેક્ટર જમીન પર તીડે આક્રમણ કરીને ખેતીને ખેદાનમેદાન કરી નાંખી છે. સિંધના ખેડૂત નેતા જાહિદ ભુરગૌરી કહે છે કે તીડોના હુમલામાં ૪૦ ટકા પાક નાશ પામ્યો છે. ઘઉં, કપાસ અને ટામેટાંનો પાક બરબાદ થઇ ગયો છે. લોટનું સંકટ વેઠી રહેલા પાકિસ્તાનની તીડની સમસ્યા અનેક ઘણી મોટી છે. પાકિસ્તાન સરકારનું અનુમાન છે કે તીડના સંકટમાં તેને ૭.૩ અબજ પાકિસ્તાની રૂપિયાની જરૂર છે.
પાકિસ્તાનને આ મહાસંકટ સામે મદદ કરવા માટે ચીને પોતાની ‘ડક ફોર્સ’ સરહદે મોકલી આપ્યું છે. આ ચીનના સૈન્યમાં એક લાખ બતક છે! વાસ્તવમાં બતક ખરેખર તો જૈવિક હથિયાર જેવા છે. જો કે હિમાલય હોવાને કારણે ચીન પર તીડનો હુમલો થવાની સંભાવના ઓછી છે. એટલું જ નહીં તીડનો ખાત્મો બોલાવવા માટે બતકનો ઉપયોગ પર્યાવરણની દૃષ્ટિએ પણ સારો છે.
એક બતક ૪ વર્ગ મીટરના વિસ્તારને તીડના આતંકથી મુક્ત કરાવી શકે છે
વિશેષજ્ઞોનું માનવું છે કે એક બતક દિવસમાં ૨૦૦ તીડને આરોગી જાય છે. બતકનાં બચ્ચાં ૪૦ તીડ ખાઈ શકે છે. તીડના હુમલા સામે લડવા માટે બતકોને પાકિસ્તાન મોકલતા પહેલાં ચીનના પશ્ચિમમાં આવેલા શિનજિયાંગ પ્રાંતમાં પરીક્ષણ શરૂ કરાશે. એક બતક ૪ વર્ગ મીટરના વિસ્તારને તીડના આતંકથી મુક્ત કરાવી શકે છે.