ઈસ્લામાબાદઃ પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પણ એવું અનુમાન કરવા લાગ્યું છે કે ભારત સરકાર કાશ્મીરમાં કશુંક નવીન કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ને જાણ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ભારત કાશ્મીરમાં ફરીથી કશુંક નવીન કરે તેવું લાગે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન પણ જાહેર કરાયું હતું કે, ‘ભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાનૂની અને એકતરફી પગલું ભરી શકે છે. ફરીથી વિભાજન અને ત્યાંની વસતિમાં ફેરબદલી માટે કશુંક કરવામાં આવી શકે છે.’
પાકિસ્તાની વિદેશ પ્રધાન કુરેશીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ અને યુએનના સેક્રેટરી જનરલને સંબોધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં કુરેશીએ જણાવ્યું છે કે કાશ્મીરીઓને દબાવવા માટે છેલ્લા ૨૨ મહિનાથી ભારત કંઈકને કંઈક કરી રહ્યું છે. કાશ્મીરમાં માનવઅધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.' તેમણે કહ્યું કે ભારત કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારને નબળું પાડી રહ્યું છે. આ અધિકાર નબળો કરવા માટે ત્યાંની વસતીમાં ફેરફારો કરાઇ રહ્યા છે. બહારના લોકોને કાશ્મીરમાં નિવાસી તરીકે નકલી પ્રમાણપત્રો અપાઇ રહ્યા છે.
કુરેશીએ કહ્યું કે, કાશ્મીરમાં ૧૯૫૧થી તમામ પ્રકારે ગેરકાનૂની - એકતરફી પગલાં ઉઠાવાયાં છે. તેમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ તેનો બંધારણીય દરજ્જો ફેરવી નાંખવાનો પણ સમાવેશ થાય છે.
‘જો ભવિષ્યમાં ભારત કાશ્મીરમાં કોઈ એકતરફી ફેરફાર કરે તો તે આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ હશે. તેમાં સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ અને ચતુર્થ જિનિવા કન્વેન્શનનો પણ સમાવેશ થાય છે.’કુરેશીએ માગણી કરી છે કે સલામતી સમિતિએ તેના ઠરાવનો અમલ થાય તે માટે પહેલ કરવી જોઈએ. કુરેશીએ કહ્યું કે તેઓ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો રાખવા માગે છે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીરના વિવાદનો ઉકેલ યુએનના ઠરાવો અનુસાર જ થઈ શકે તેમ છે.
તેમણે કહ્યું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જરૂરી છે. યુએન ખાતેના પાકિસ્તાનના પ્રતિનિધિએ કુરેશીનો આ પત્ર સેક્રેટરી જનરલ અને યુએન સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષને પહોંચાડ્યો છે. બીજી તરફ, ભારતે હંમેશાં જણાવ્યું છે કે કાશ્મીર તેની આંતરિક બાબત છે અને પાકિસ્તાનને તેના વિશે બોલવાનો કોઈ હક નથી.