લંડનઃ પાકિસ્તાનમાં આતંકવાદ પૂરઝડપે વિકસી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ સ્ટ્રેટેજિક ફોરસાઈટ ગ્રૂપે જાહેર કરેલા ‘હ્યુમેનિટી એટ રિસ્કઃ ગ્લોબલ ટેરર થ્રેટ ઈન્ડિકન્ટ’ અહેવાલમાં સાબિત કરાયું છે કે, દુનિયા માટે પાકિસ્તાનનો આતંકવાદ સીરિયાની સરખામણીએ ત્રણ ગણો વધુ ખતરનાક છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે વધુ વિકરાળ પ્રશ્નો સર્જ્યા છે.
અહેવાલ અનુસાર આતંકવાદી સંગઠનો માટે સ્વર્ગસમાન સ્થળોની યાદીમાં પાકિસ્તાન પ્રથમ નંબરે છે. આ જ યાદીમાં વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી જૂથોમાં લશ્કર એ તોઇબા અને અફઘાન તાલિબાનનો સમાવેશ કરાયો છે. આ આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનમાં મોકળું મેદાન મળ્યું છે અને તેઓ વિશ્વના અનેક આતંકવાદી સંગઠનો સાથે ગાઢ સંપર્કો વિકસાવવા હંમેશા તત્પર હોય છે.
આ જ કારણસર નિષ્ણાતોએ વિશ્વના કોઈ પણ દેશની તુલનામાં પાકિસ્તાનના આતંકવાદને સૌથી જોખમી કહ્યો છે. આંકડા અને તથ્યોની રીતે જોઈએ તો પાકિસ્તાન મોટા ભાગના આતંકવાદી સંગઠનોને શસ્ત્રો અને નાણાં પૂરા પાડી રહ્યું છે. આજ રીતે, અફઘાન સરકારના વિરોધી અનેક આતંકવાદી સંગઠનોને પણ પાકિસ્તાન જ ભરપૂર મદદ કરી રહ્યું છે, જેમાં તાલીમ છાવણીઓ ઊભી કરીને લશ્કરની મદદથી તેમને તાલીમ આપવાનો પણ સમાવેશ થાય છે.
આ અહેવાલ પ્રમાણે, છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધારે મીડિયા કવરેજ ઈસ્લામિક સ્ટેટને મળ્યું છે. જોકે, આઈએસ જે ઝડપથી ઊભું થયું એટલી જ ઝડપથી તેની ગતિવિધિઓને ડામવામાં પણ સફળતા મળી, પરંતુ અલ કાયદા જેવા પાકિસ્તાનનો ટેકો ધરાવતા જૂથો હજુ પણ આક્રમક રીતે સક્રિય છે. (૨૩૭)