ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીર અંગેના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. તેની અસર એટલી ઊંડી છે કે, પાકિસ્તાની વિદેશ પ્રધાને ધમકી આપતા કહ્યું કે, અમે આ નિર્ણય વિરુદ્ધ શક્ય એ બધી જ કાર્યવાહી કરીશું. અમે પાકિસ્તાન આવનારા અમેરિકન પ્રતિનિધિ મંડળને પણ ભારતની ફરિયાદ કરીશું.
આ દરમિયાન કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા મુદ્દે પાક.ના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલવીએ સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના વડા જાવેદ બાજવાએ કોર કમાન્ડરોની બેઠક યોજી હતી. જોકે, સેનાની બેઠકની કોઈ ઔપચારિક માહિતી સામે નથી આવી. આ ઘટનાક્રમ એટલે મહત્ત્વનો છે કારણ કે, સેના વડા પાછલા કેટલાક અઠવાડિયાથી કાશ્મીરના ઘટનાક્રમ પર બારીક નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ મુદ્દે મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે પણ ફોન પર વાત કરી. તેમણે મહાતિરને કહ્યું કે, કલમ ૩૭૦ હટાવવા સંબંધિત ભારતની કાર્યવાહી ગેરકાયદે છે અને તેનાથી ક્ષેત્રીય સુરક્ષા અને શાંતિને ખતરો છે. પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે, ભારતનું આ પગલું ચોંકાવનારું છે. અમને કાશ્મીરમાં કોઈ ચૂકની શંકા હતી, પરંતુ મોદી સરકારથી આટલા મોટા પગલાંની આશા ન હતી.
જમ્મુ-કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સમાજે વિવાદાસ્પદ ગણ્યું છે. ભારત સરકારે એકતરફી વલણથી કોઈ ફર્ક નહીં પડે. જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના લોકો તેને મંજૂર નહીં કરે. પાકિસ્તાન આ મુદ્દો દુનિયા સામે ઉઠાવશે. અમે ભારત વિરુદ્ધ શક્ય તમામ બાબતોમાં કાર્યવાહી કરીશું. પાકિસ્તાન વિદેશ વિભાગે કહ્યું કે, જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ ક્ષેત્ર છે. ભારતનું કોઈ એકતરફી પગલું તેના વિવાદાસ્પદ સ્ટેટસને બદલી નહીં શકે.