નવી દિલ્હીઃ પુલવામા જિલ્લામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી આતંકી હુમલા બાદ ભારત સરકારે આતંકીઓના ગઢ સમાન પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડવા અને તેને વિશ્વના અન્ય દેશોથી અલગ પાડવા ભારત સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. શુક્રવારે સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળી હતી. જેમાં પાંચ મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લેવાયો છે.
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠકમાં વડા પ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્, નાણાં પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. બેઠક પછી જેટલી અને નિર્મલા સીતારામને મીડિયા સાથે વાત કરી હતી. જેમાં સુરક્ષા અંગેની કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણયોની જાણ કરાઈ હતી. મિટિંગમાં જવાન શહીદોના આત્માને શાંતિ મળે તે માટે બે મનિટ મૌન પાળવામાં આવ્યું હતું. જે જવાનોએ દેશ માટે કુરબાની આપી છે તેનો દેશને ગર્વ છે. તેમની આ શહાદતને એળે નહીં જવા દેવાય તેમ સરકારે કહ્યું હતું.
મિટિંગમાં લેવાયેલા કેટલાક નિર્ણયો સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને જાહેર કરી શકાય તેમ નથી તેમ જેટલીએ કહ્યું હતું. અમેરિકાથી સારવાર લઈને ગયા અઠવાડિયે ભારત પાછા ફરેલા જેટલીએ નાણાં મંત્રાલયનો કાર્યભાર ફરી સત્તાવાર રીતે સંભાળ્યા હતો. અને સીસીએસની મિટિંગમાં હાજર રહ્યાં પછી મીડિયાને બ્રિફિંગ કર્યું હતું.
શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો?
મોસ્ટ ફેવર્ડ નેશન એટલે કે જેને વધારેમાં વધારે મહત્ત્વ આપવામાં આવે તેવો દેશ, વિશ્વ વેપાર સંગઠન અને ઇન્ટરનેશનલ ટ્રેડ નિયમો મુજબ વેપારમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અપાય ત્યારે તેવા દેશને વેપારમાં અને આયાતજકાતમાં કેટલીક રાહતો આપવામાં આવે છે અને અન્ય દેશોની સરખામણીમાં કેટલીક ચીજો સસ્તા દરે અપાય છે.
પાકિસ્તાનને કેટલું નુકસાન?
મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવતાં ભારત હવે પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવતી કોઈ પણ ચીજ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારી શકે છે. જોકે આનાથી પાકિસ્તાનને બહુ મોટું નુકસાન નહીં થાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૭-૧૮માં ૨.૪૧૨ બિલિયન ડોલર એટલે કે આશરે ૧૭,૦૦૦ કરોડનો વેપાર થયો હતો. જેમાં ભારતમાંથી કરાતી નિકાસનો હિસ્સો ૧.૯૨૪ બિલિયન ડોલર હતો. જ્યારે પાકિસ્તાનમાંથી ફક્ત ૦.૪૮૮ બિલિયન ડોલરની આયાત કરાઇ હતી.