જિનિવાઃ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર્સની બહાર પીઓકેના નેતાઓએ પાકિસ્તાન વિરુદ્ધ ધરણાં કર્યાં હતાં. પીઓકેમાંથી હાંકી કઢાયેલા નેતા શૌકત અલી કાશ્મીરીએ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મીરનો ઉપયોગ આતંકવાદીઓ લોન્ચ કરવા માટે કરી રહ્યો છે. તેમણે જિનિવામાં એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન આ દાવો કર્યો હતો.
અલીએ જણાવ્યું કે, લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ અહીં ખુલ્લેઆમ ફરતા હોય છે. શૌકત અલીએ એમ પણ જણાવ્યું કે, ‘પાકિસ્તાન એક તરફ આતંક વિરુદ્ધ લડાઈ લડવાની વાત કરે છે અને બીજી તરફ તેમને ત્યાં લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરે છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનની કથની અને કરણીમાં ઘણો મોટો ફરક છે. પીઓકેની જમીનનો આતંકીઓ દ્વારા ઉપયોગ થવાને કારણે સ્થાનિક સ્તરે ઘણી બધી સમસ્યાઓ સામે આવી છે, જેની પર વહીવટીતંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી.’