ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦માં પરિવર્તન કરવાની અને રાજ્યની પુનઃ રચનાને લઈને પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને વિશ્વમાંથી સહયોગ મળી રહ્યો નથી. પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું ખુદ ત્યાંના વિદેશ પ્રધાન શાહ મહેબૂબ કુરેશી કહે છે. પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં પ્રેસ સાથે વાત કરતા કુરેશીએ કહ્યું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પણ સમર્થન મળવું મુશ્કેલ છે.
કુરેશીએ કહ્યું કે આપણે મૂર્ખાના સ્વર્ગમાં રાચવું જોઈએ નહીં. પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓએ જાણી લેવું જોઈએ કે કોઈ તેમની સાથે નથી. ભારતના એક અબજના માર્કેટ સાથે દુનિયાના દેશોનું હિત જોડાયેલું છે. મુસ્લિમ દેશો પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહ્યાં છે પણ પાકિસ્તાનને સહયોગ કરતા નથી.
અત્યાર સુધીમાં અમેરિકા, બ્રિટન, ચીન, સાઉદી અરેબિયા, મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસી વગેરેએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવાના બદલે આર્ટિકલ ૩૭૦ની નાબૂદીને ભારતની આંતરિક બાબત ગણાવી છે.
પાકે. પગ પર કુહાડો માર્યો
ઇસ્લામાબાદઃ જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ થતાં રોષે ભરાયેલા પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર સસ્પેન્ડ કરવા સહિતના પગલાં ભરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. પાકે. અગાઉ માત્ર જાહેરાત કરી હતી હવે તેણે નિર્ણયનો સત્તાવાર અમલ શરૂ કર્યો છે. પાકિસ્તાનમાં જે ભારતીય દુતાવાસ છે ત્યાં ફરજ બજાવતો તમામ સ્ટાફ ભારત પરત પહોંચી ગયો છે.
ભારતે પાકિસ્તાની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી ઝીંકી હોવાથી મોટા ભાગની પાકિસ્તાની વસ્તુઓ હાલ ભારત નથી આવી રહી, એવામાં પાકિસ્તાને જાહેરાત કરી છે કે અમે ભારત સાથેનો બધો વ્યાપાર બંધ કરી દીધો છે.
સાથોસાથ પાકિસ્તાને ભારત સાથેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દીધો હતો, સમજૌતા અને અન્ય ટ્રેનોને અટકાવી દીધી હતી. હવે ભારત સાથેની બસ સેવાને સસ્પેન્ડ કરી દીધી છે.
પાકિસ્તાન ભારત સાથેના દરેક પ્રકારના વ્યવહારો તોડી રહ્યું છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં બસ સેવા શરૂ થઇ હતી, જોકે ૨૦૦૧માં સંસદ હુમલા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં ૨૦૦૩માં ફરી શરૂ થઇ હતી.
ભારત અને પાક. વચ્ચે ચાલતી આ બસને લાહોર-દિલ્હી ફ્રેન્ડશિપ બસ સેવા નામ આપવામાં આવ્યું છે. આ બસને સસ્પેન્ડ કરી દેવામાં આવી હોવાની જાણકારી પાકિસ્તાનના પોસ્ટલ અને કોમ્યૂનિકેશન સર્વિસ વિભાગના પ્રધાન મુરાદ સઇદે આપી હતી.
ટ્વિટ કરીને સઇદે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પુરતા બસ સેવાને સસ્પેન્ડ કરી દેવાઇ છે.
નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર બંધ કરવાનું પગલું ભરીને આત્મઘાતી નિર્ણય કર્યો છે. કાંદા, બટેટા, ટમેટાથી માંડીને અનેક ચીજવસ્તુઓ માટે તે ભારત પર નિર્ભર છે. તેણે ભારતમાંથી આયાત બંધ કરતાં પાકિસ્તાનમાં આ તમામ ચીજવસ્તુઓના ભાવ ઊંચકાયા છે અને આમ પાકિસ્તાની નાગરિક હેરાનપરેશાન છે.