નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતી કન્યાઓનું અપહરણ કરવું, બળજબરીપૂર્વક ઇસ્લામમાં કન્યાઓનું ધર્માંતરણ કરાવવું અને તેની સાથે લગ્ન કરીને તેને છોડી દેવી કે હેરાન કરવી જેવા કિસ્સા ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૦૦૦ કન્યાઓ કે જેમાં મોટાભાગની હિંદુ અને ક્રિશ્ચન હોય છે તેમનું અપહરણ પાકિસ્તાનમાં કરવામાં આવે છે અને જબરદસ્તીથી તેમનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવે છે. મુસ્લિમ પુરુષ સાથે લઘુમતિ કન્યાના લગ્ન કરાવી દેવામાં આવે છે.
માનવ અધિકાર કાર્યકરો કહે છે કે કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન આ પ્રવૃત્તિમાં વધારો થયો છે જ્યારે બાળાઓ શાળાની બહાર છે અને વધારે દેખાતી થઈ હતી. ઇન્ટરનેટ પર પણ બ્રાઇડ ટ્રાફિકર્સ વધારે સક્રિય થયા છે. નોંધનીય છે કે આ મહિને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ પાકિસ્તાનને ધર્મના સ્વાતંત્ર્યનો ભંગ કરવા બદલ કન્ટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન જાહેર કર્યું હતું. યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના ભાગરૂપે પાકિસ્તાનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
૧૪ વર્ષની બાળા ને ૪૫ વર્ષનો માણસ
મોટાભાગની કન્વર્ટ બાળાઓ દક્ષિણ સિંધ પ્રાંતના ગરીબ હિન્દુ પરિવારોની હોય છે, પરંતુ તાજેતરમાં ૧૪ વર્ષની નેહા નામની ખ્રિસ્તી કન્યાનું ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવીને તેનાથી બમણી વયના અને બાળકો ધરાવતાં ૪૫ વર્ષના એક માણસ સાથે પરણાવી દેવામાં આવી હતી. નેહાનો પતિ હાલમાં જેલમાં છે અને તેના પર અંડરએજ કન્યા પર બળાત્કારનો આરોપ છે, પણ આ ઘટનાથી નેહા ભયભીત છે અને છુપાતી ફરે છે કેમ કે તેના પતિના સંબંધીઓ તેની હત્યા કરી નાંખશે તેવો ડર તેને છે.