પાકિસ્તાનમાં નજર કેદમાંથી છૂટતાં હાફીઝ સઈદની લવારીઃ ભારત મારું કંઈ બગાડી શકે તેમ નથી

Thursday 23rd November 2017 01:03 EST
 
 

ઈસ્લામાબાદઃ આતંકવાદી ગ્રુપ લશ્કરે તોયબાનો સ્થાપક અને મુંબઇ હુમલાનો ભેજાંબાજ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદમાંથી છૂટતાં જ તેણે એક વીડિયો સંદેશમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં કહ્યું હતું કે મારી મુકિતથી ભારતની આબરૂનું ધોવાણ થયું છે. ભારત મારું કશું બગાડી શકે તેમ નથી. કાશ્મીર આઝાદ થઇને રહેશે.

સઈદે કહ્યું હતું કે, હકુમતના જેટલા લોકો અને સરકારના બધા અધિકારીઓ આવીને કહેતા હતા કે, આને મુકત નહીં કરતા, પરંતુ તેમની વાત ન સાંભળી મને મુકત કરવાનો આદેશ આપ્યો. આ પાકિસ્તાનની આઝાદીની જીત છે અને કાશ્મીર આઝાદ થઇને રહેશે કારણ કે હું કાશ્મીર માટે લડી રહ્યો છું અને કાશ્મીરને કારણે જ ભારત મારી પાછળ પડયું છે.

મુંબઇ હુમલાની વરસી અગાઉ હાફીઝ નજર કેદમાંથી બહાર આવ્યો છે. તેણે વીડિયો સંદેશમાં આને પાકિસ્તાનની આઝાદીની જીત ગણાવી છે. તેને જાન્યુઆરીમાં જ ઘરમાં નજર કેદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તે મુકિત માટે ન્યાયધીશોને ધન્યવાદ આપતો દેખાય છે.

હાફીઝ સઇદે કહ્યું છે કે જેલની અંદર રાખવાના ભારતના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. ન્યાયાધીશોના પ્રયાસોથી ભારતે શરમ અનુભવી પડી છે. એ સાબિત થયું છે કે પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ છે અને ભારત મારું કંઇ બગાડી શકે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter