બાલ્ટિસ્તાનઃ પાકિસ્તાનના ખૈબરપુખ્તનખ્વા પ્રાંતના ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારે વરસાદ અને તેને સંબંધિત દુર્ઘટનાઓ તેમજ ભૂસ્ખલનોને કારણે ૭૧ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયાં છે. મુશળધાર વરસાદને કારણે ગિલગિટ બાલ્ટિસ્તાનનાં અનેક ગામડાં ડૂબી ગયાં છે. અહીં વરસાદ એટોલ મુશળધાર પડ્યો છે કે નાની નદીઓમાં પૂર આવી ગયાં છે. સૌથી વધુ નુકસાન આંતરમાળખાને થયું છે. ખૈબરનું શાંગલા સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં ૧૯ લોકોનાં મોત થયાં છે. શાંગલા સિવાય કોહિસ્તાન અને સ્વાતમાં હાલ બદતર છે. અહીંયાં વિજળી ગૂલ થઈ ગઈ છે. કોહિસ્તાન અને પેશાવરના વિસ્તારોમાં ૩૬ લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગ અનુસાર, પેશાવરમાં ૨૪ કલાકમાં ૪૫ મિલિમીટર વરસાદ ખાબક્યો હતો. પેશાવરનો ખીણ પ્રદેશ અને બારાખોવર સરોવર ઓવરફ્લો થઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. અહીં પાણીના તેજ પ્રવાહથી ૭૦થી વધુ દુકાનો તણાઈ ગઈ છે. ઘરો અને પાકને પણ મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.