પાકિસ્તાનમાં લધુમતીઓ સતત અત્યાચારના ભય હેઠળ જીવી રહી હોવાની વાતને હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાનના ૨૦૧૯ના ફિલ્ડ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં સમર્થન અપાયું હતું. આ બાબત લાંબા સમયની વાસ્તવિકતા છે કારણ કે ગુનેગારોને કોર્ટની મંજૂરી, સમાજના વગદાર અને પ્રભાવશાળી વર્ગનો ટેકો હોય છે.
મે ૨૦૧૯માં હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાનની ટીમે હિંદુ છોકરીઓના બળજબરીપૂર્વક ધર્માંતરણને લગતી ફરિયાદોની ચકાસણી માટે ઘોટકી જિલ્લાની મુલાકાત લીધી હતી. બે સગીરા રીના અને રવિના દહારકી શહેરના તેમના ઘરેથી લાપતા થઈ હતી અને પાછળથી તેઓ ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને મુસ્લિમ પુરુષો સાથે પરણેલી જણાઈ હતી.
રીના અને રવિનાના ભાઈ શમન દાસ મેઘવાર હ્યુમન રાઈટ્સ કમિશનની મિટીંગમાં હાજર રહ્યા હતા અને વહીવટી તંત્ર અને પોલીસે તેમના પરિવારની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો કેવી રીતે ઈન્કાર કર્યો તેની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ કે સરકારે તેમના દેખાવોની કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. દસ દિવસ પ્રયાસો કર્યા પછી પણ NADRA ઓફિસે બન્ને બહેનોનું બર્થ સર્ટિફિકેટ ઈસ્યૂ કર્યું ન હતું.
હિંદુ સમાજમાં આ દહેશત એટલી બધી હતી કે દર્માંતરણના ઘણાં કેસોની નોંધ જ કરાવાઈ ન હતી. હિંદુ સમાજના લોકોએ ટીમને જણાવ્યું કે ધર્માંતરણના ૯૦ ટકા કેસો બળજબરીપૂર્વક ધર્માંતરણના હોય છે. ટીમને જણાયું કે બળજબરીપૂર્વકના ધર્માંતરણના કેસોને લીધે દુનિયામાં પાકિસ્તાનની છબી ખરાબ થવાની પાકિસ્તાનના સત્તાવાળાઓને ચિંતા છે.
હિંદુ સમાજે લગ્નની ઘટનાનો વિરોધ કર્યો હતો .પરંતુ, સ્થાનિક પોલીસે તેમની ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો. હિંદુ સમાજે કરેલા ભારે વિરોધ અને બન્ને છોકરીઓનો વીડિયો વાઈરલ થયા પછી ફરિયાદ નોંધાઈ હતી. છોકરીઓએ દાવો કર્યો હતો કે તેમણે ધર્મ પરિવર્તન કર્યું હતું અને તે વિસ્તારના બે મુસ્લિમ પુરુષોને પરણી હતી.
બન્ને છોકરીઓના પરિવારોએ દાવો કર્યો કે તે સગીરા હતી. પરંતુ, હકીકત શોધવા માટે ઈસ્લામાબાદ હાઈ કોર્ટે રચેલા કમિશનને આ બન્ને છોકરીઓ લગ્ન માટે ઉંમરલાયક જણાઈ હતી.
બે છોકરીઓએ કથિત રૂપે કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે ઈસ્લામના ઉપદેશોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.તેથી ઈસ્લામાબાદ હાઈ કોર્ટે ઘોટકીની આ બન્ને છોકરીઓને તેમના મુસ્લિમ પતિઓ પાસે જવાનો આદેશ કર્યો હતો.