ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વકરી રહેલા કોરોનાના આશરે ૧૫૬૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા અને આ બીમારીથી ૧૪થી વધુનાં મોત થયાં છે. ઇમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તાર સુધી મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ સિંધ પ્રાંતમાં રહેનારા લઘુમતી હિંદુઓ સાથે ભેદભાવભર્યું વલણ અપનાવાઈ રહ્યાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પ્રશાસને કરાચીમાં લોકોને રાશન અને બીજી જીવન જરૂરિયાતની ચીજોનું વિતરણ કર્યું હતું, પરંતુ હિંદુઓને એમાંથી બાકાત રાખ્યા હોવાના સમાચાર છે. આ રાહત ફ્ક્ત મુસ્લિમો માટે જ હોવાનું જણાવાયું હતું અને તેને કારણે સિંધમાં રહેતા પ લાખ હિંદુઓની સ્થિતિ કફોડી બની છે. સિંધ પ્રાતમાં લોકડાઉનમાં ફ્સાયેલા મજૂરો અને કામદારો માટે રાશન વિતરણની જવાબદારી સરકારે પ્રશાસન અને એનજીઓને આપી હતી. અહીં ૩ હજાર લોકો મદદ માટે ઊમટયા હતા. તેમના સ્વાસ્થ્ય તપાસ અને સ્ક્રિનિંગની પણ કોઇ સુવિધા કરાઇ ન હતી. એ કારણથી લધુમતીઓમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે.