ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ યુવતી તેની હોસ્ટેલ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. નમ્રતા ચંદાની નામની આ યુવતી મેડિકલના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તે પાકિસ્તાનના સિંધ શહેરમાં ઘોટકીમાં રહેતી હતી. ત્યાં થોડા દિવસ પહેલાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ પણ થઈ હતી. નમ્રતાના ભાઈ વિશાલે પોલીસ અને હોસ્ટેલ અધિકારીઓ પર હત્યાને છુપાવવાનો આક્ષેપ કર્યો છે. મેડિકલ કન્સલ્ટન્ટ વિશાલે કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણ થઈ હતી કે તેની હત્યા થઈ છે. આ આત્મહત્યા નથી. આપઘાતના નિશાન અલગ હોય છે. તેના ગળા પર કેબલના નિશાન જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં લગભગ ૯૦ લાખ હિન્દુ રહે છે. સૌથી વધુ હિન્દુ સિંધ પ્રાંતમાં રહે છે. સિંધિ ફાઉન્ડેશને કહ્યું છે કે દર વર્ષે ૧૨થી ૨૮ વર્ષની લગભગ ૧૦૦૦ સિંધુ યુવતીના અપહરણ થાય છે અને તેમની સાથે જબરજસ્તી કરાય છે. પાકિસ્તાનના માનવાધિકર પંચના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૦૪થી મે ૨૦૧૮ સુધીમાં સિંધી યુવતીઓના અપહરણની ૭૪૩૦ ઘટનાઓ બની હતી. હાલમાં નાનકના સાબિહ ગુરુદ્વારાના ગ્રંથીની પુત્રી જગજીત કૌરનું અપહરણ કરી તેના લગ્ન કરાયા બાદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો. દરમિયાનમાં બલોચ નેતા મહેરાન મેરીએ આક્ષેપ કર્યો છે કે પાક. લશ્કરે એક મહિનામાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું છે. બાંગ્લાદેશમાં જે પ્રકારની પ્રવૃત્તિ પાક. લશ્કરે કરી હતી તે અત્યારે બલુચિસ્તાનમાં કરી રહી છે.